નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામે કેટલાક જિલ્લામાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.


પશ્ચિમ બંગાળઃ કોરોનાના વધતા મામલાને જોઈ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન અને કોરોનાના વધારે કેસ છે તેવા બફર ઝોનમાં આજથી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોલકાતા શહેરમાં 33 કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે સાઉથ 24 પરગનામાં 155 અને નોર્થ 24 પરગનામાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે. આ ઉપરાંત હાવડા, હુગલી, નાદિયા, પૂર્વ મદિનાપુર, પશ્ચિમ મદિનાપુર, માલદા, જલપાઈગુડી, દાર્જિલિંગ, કાલિમપોંગ, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, બાંકુરા, કૂચ બિહારમાં વિવિધ કન્ટેન્ટમેન્ટ એરિયામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.

આસામઃ કોરોનાના વધતા મામલાને જોતા આસામના જોરહાટમાં 9 જુલાઈથી 15 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. કોવિડ-19 સંક્રમણ પર રોક લગાવવા 9 જુલાઈથી સાંજે 7 વાગ્યાથી લોકડાઉન લાગુ કરાશે. ડેપ્યુટી કમિશ્નર રોશની અપરાનજી કોરાટીએ કહ્યું, જોરહાટ મ્યુનિસિપલ બોર્ડની અંતર્ત આવતા તમામ વિસ્તારમાં ગુરુવારથી લોકડાઉન લાદવામાં આવશે. આ દરમિયાન તમામ પ્રકારના વાહનોની અવર-જવર, સરકારી અને ખાનગી ઓફિસ ખોલવા, માર્કેટ, શોપિંગ કોમ્પલેક્સ અને દુકાનો નહીં ખોલી શકાય. માત્ર જીવનજરૂરી વસ્તુઓની દુકાન ખોલી શકાશે. જોરહાટ ઉપરાંત દિબ્રુગઢ, શિવાસાગર, નગાંવ, નલબારીમાં પણ લોકોની અવર-જવર પર કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. ગુવાહાટીના કામરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટમાં 28 જૂનથી બે સપ્તાહનું લોકડાઉન નાંખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય બે જિલ્લા દિમા હાસો અને વેસ્ટ કરબી એંગલોંગમાં સોમવારથી બુધવારનું સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

ઓડિશાઃ રાજ્યના ગંજામ જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર દ્વારા તમામ શહેરી વિસ્તારો અને પાંચ બ્લોક હેડક્વાર્ટર્સમાં આજથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બેરહામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (BeMC), હિનજીલી મ્યુનિસિપાલિટી અને 16 નોટિફાઇડ એરિયા કાઉન્સિલમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. બ્લોક હેડક્વાર્ટર્સમાં શેરાગદા, સાનખેમુંડી, પ્રતાપુર, ધારકોટે અને જગ્ન્નાથ પ્રસાદનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન ડોર ટૂ ડોર હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ દરમિયાન મેડિકલ ફેસિલિટ, ખેતીકામ સાથે સંકળાયેલા લોકોને છૂટ આપવામાં આવશે. જિલ્લામાં મંગળવારે એક દિવસમાં સૌથી વધારે 273 કેસ સામે આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 487 લોકોના મોત થયા છે અને 24,879 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,67,296 પર પહોંચી છે અને 21,129 લોકોના મોત થયા છે. 4,76,378 લોકો સાજા થઈ ગયા છે અને 2,69,789 એક્ટિવ કેસ છે.