નવી દિલ્લી: છેલ્લી ઘડીએ ઇમરજન્સીમાંની રેલવે ટિકીટ કન્ફર્મ થઇ શકે તે માટે રેલવે વિભાગે સ્પેશિયલ કવોટાની વ્યવસ્થા કરેલી છે, પરંતુ હવે મુસાફરો સ્પેશિયલ કવોટામાં ટિકીટ કન્ફર્મ કરાવશે, તો તેના માટે વધારાનો ચાર્જ ચુકવવો પડે એવી શકયતા ઉભી થઇ છે. અમદાવાદ રેલવે ડિવીઝનના સુત્રોના જણાવ્યા પ્રમાણે ડિવીઝન, હેડકવાર્ટર અથવા ઝોનલ ઓફિસની અરજીને પણ નવા નિયમ અંતર્ગત આવરી લેવાશે.
ઇમરજન્સી કવોટાના દુરૂપયોગ પર નિયંત્રણ લાવવા તેમજ રેલવેની આવક વધારવા આ નિયમ ઘડવામાં આવ્યો છે. ટિકીટ કન્ફર્મ થયા બાદ મુસાફરે કેટલો ચાર્જ ચુકવવો પડશે તેનું હાલ રેલવે મંત્રાલાય દ્વારા કોઇ નિશ્ચિત ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું નથી, પણ મુસાફરે વધારાનો ચાર્જ ટ્રેનમાં ટીટીઇને ચુકવો પડશે.
રેલવેની નવી નીતી મુજબ સાંસદોને એક ખાસ પ્રકારનો પાસવર્ડ આપવામાં આવશે અને આ પાસવર્ડના આધારેતેમની ટીકીટ કન્ફર્મ થઇ શકશે. આ નિયમ લાગુ પડતા સાંસદોના નામે એક કરતા વધુ ટિકીટ ખરીદવાના કૌભાંડ પર રોક લાગશે. સાંસદોના યુડીઆઇ નંબરને દેશભરના પીઆરએસ તેમજ આઇઆરસીટીસીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.