DELHI : ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 21 મેં શનિવારે તેમની નિમણૂક અંગે ભારત સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આમાં જણાવવામાં આવ્યું હતું કે કેબિનેટની નિમણૂક સમિતિએ વડાપ્રધાન કાર્યાલયમાં IFS વિવેક કુમારને સંયુક્ત સચિવના સ્તરે PMના અંગત સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.
વિવેક કુમાર પીએમ મોદીના અંગત સચિવ સંજીવ કુમાર સિંગલાની જગ્યા લેશે. આ સાથે જ સંજીવ કુમાર સિંગલા ઈઝરાયેલમાં ભારતના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળશે. વિવેક કુમાર 2004 બેચના IFS અધિકારી છે.
વિવેક કુમાર 2014માં જ વડાપ્રધાન કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે જોડાયા હતા. તેઓ હાલમાં પીએમઓના ડાયરેક્ટર છે. અગાઉ વિવેક કુમાર 2013-14 સુધી વિદેશ મંત્રાલયમાં ફરજ બજાવતા હતા.
વિવેક કુમારે વર્ષ 1998-2002માં IIT બોમ્બેમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. B Tech પછી, વિવેકે એક ટેલિકોમ સોફ્ટવેર સ્ટાર્ટઅપમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કર્યું છે. મોદી સરકારમાં તેમની છબી શ્રેષ્ઠ અધિકારી તરીકે ગણવામાં આવે છે.
નોંધનીય છે કે વડાપ્રધાનના મુખ્ય સચિવ વડાપ્રધાનના કાર્યાલયમાં સૌથી વરિષ્ઠ અમલદાર અને વહીવટી અધિકારી છે. મુખ્ય સચિવની પસંદગી ભારતીય વહીવટી સેવા અને ભારતીય વિદેશ સેવામાંથી કરવામાં આવે છે.