રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને શુક્રવારે (5 ડિસેમ્બર, 2025) મોસ્કો જવા રવાના થયા. વિદેશ મંત્રી એસ. જયશંકર એરપોર્ટ પર હાજર હતા અને તેમણે પુતિનને ઔપચારિક રીતે વિદાય આપી હતી. પુતિનનો આ પ્રવાસ ભારત માટે ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રવાસનો હેતુ સંરક્ષણ, વેપાર, ઊર્જા અને આર્થિક સહયોગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો.
કયા કરારો પર સહમિત બની ?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન વ્યાપક કરારો પર સહમતિ બની. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચે ટ્રેડ અને કૉમર્સ, કૉઓપરેશન અને માઈગ્રેશન, હેલ્થકેર અને તબીબી શિક્ષણ, ખાદ્ય સુરક્ષા અને સ્ટાન્ડર્ડ, પોલર શિપ્સ અને મેરિટાઈમ કૉઓપરેશન અને ફર્ટિલાઈઝર પર મહત્વપૂર્ણ કરારો થયા છે.
રશિયાએ જાહેરાત કરી કે તે ભારતને ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને પરમાણુ ઉત્પાદનો પૂરા પાડવાનું ચાલુ રાખશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પશ્ચિમી દેશોના દબાણ છતાં બંને દેશો વચ્ચે ઉર્જા સહયોગમાં વધારો થવાની સંભાવના છે. ભારત અંગેની બીજી મોટી જાહેરાત નાગરિક પરમાણુ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી. હાલમાં, ભારતની મોટાભાગની વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે. પરમાણુ રિએક્ટર પ્લાન્ટની સ્થાપના સાથે રશિયા 2047 સુધીમાં 100 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાના તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.
મીટિંગ પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે બંને નેતાઓએ ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન વચ્ચે માલસામાનમાં મુક્ત વેપાર કરાર તરફ ચાલી રહેલી પ્રગતિની પ્રશંસા કરી. તેમણે બંને પક્ષોને રોકાણ પ્રોત્સાહન અને સુરક્ષા પર પરસ્પર ફાયદાકારક કરાર સુધી પહોંચવા માટે પ્રયાસો ઝડપી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો. ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EAEU) એ ગયા અઠવાડિયે નવી દિલ્હીમાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ યોજ્યો હતો. ભારત અને પાંચ દેશોના જૂથે 20 ઓગસ્ટના રોજ કરાર માટે સંદર્ભ શરતો પર હસ્તાક્ષર કર્યા.
રશિયા, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન EAEU ના સભ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી અને પુતિન ભારતથી રશિયામાં નિકાસ વધારીને દ્વિપક્ષીય વેપારને સંતુલિત અને ટકાઉ રીતે વિસ્તૃત કરવા સંમત થયા હતા. બંને પક્ષોએ ટેરિફ અને નોન-ટેરિફ વેપાર અવરોધોને દૂર કરવા, લોજિસ્ટિકલ અવરોધો દૂર કરવા, કનેક્ટિવિટી વધારવા, ચુકવણી પ્રણાલીઓને સરળ બનાવવા અને વીમા અને પુનર્વીમા સમસ્યાઓના પરસ્પર સ્વીકાર્ય ઉકેલો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પુતિને કહ્યું, "છેલ્લા કેટલાક વર્ષોમાં, તમે અમારા સંબંધોને સુધારવા માટે ઘણું કર્યું છે. અમે સહયોગ માટે વધુ ક્ષેત્રો ખોલી રહ્યા છીએ, જેમાં હાઇ-ટેક એરક્રાફ્ટ, અવકાશ સંશોધન અને કૃત્રિમ બુદ્ધિ (AI)નો સમાવેશ થાય છે."