Loksabha Election 2024: જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર  મતદાનને લઈ ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે ચૂંટણીને સ્થગિત કરી દીધી છે. ભારતના ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તાર (J&K)માં મતદાનની તારીખમાં સુધારો કર્યો છે. મતદાન હવે 7મી મેના બદલે 25મી મેના રોજ યોજાશે. 


ચૂંટણી પંચે ખરાબ હવામાન અને રસ્તાઓની સ્થિતિને લઈને આ નિર્ણય જાહેર કર્યો છે. અગાઉ ચૂંટણી પંચે આ બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. આ પછી, ખરાબ હવામાન અને ખરાબ રસ્તાઓને કારણે અનંતનાગ રાજૌરી સીટ પર ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.






ઘણા મોટા પક્ષો અને ઉમેદવારોએ હવામાનને ટાંકીને ચૂંટણી મોકૂફ રાખવાની માંગણી કરી હતી. ચૂંટણી પંચે હવામાનને લઈને રિપોર્ટ પણ માંગ્યો હતો, ત્યારબાદ જ ચૂંટણી પંચનો આ નિર્ણય સામે આવ્યો છે. રાજ્ય પ્રશાસને પણ તેના અહેવાલમાં સ્વીકાર્યું હતું કે મુગલ રોડ સહિત અન્ય રસ્તાઓ વારંવાર બંધ કરવામાં આવ્યા હતા.