Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. 21 જુલાઈએ પરિણામોની ઘોષણા પછી, નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈ, 2022 ના રોજ યોજાશે. આજે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંસદભવનના રૂમ નંબર 63માં 6 બૂથ બનાવવામાં આવ્યા છે. જેમાં એક દિવ્યાંગ મતદાર માટે છે. વિવિધ રાજ્યોના કુલ 9 ધારાસભ્યો સંસદ ભવનમાં મતદાન કરશે. યુપીમાંથી 4, ત્રિપુરામાંથી 2, આસામમાંથી 1, ઓડિશામાંથી 1, હરિયાણામાંથી 1 જ્યારે વિધાનસભાઓમાં 42 સાંસદો મતદાન કરશે.


રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુ એનડીએના ઉમેદવાર છે. દ્રૌપદી મુર્મુ આદિવાસી સમુદાયમાંથી આવે છે. મુર્મુ અનુસૂચિત જનજાતિના બીજા વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ 2015 થી 2021 સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. જો દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તે રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી મહિલા હશે.


યશવંત સિંહા વિપક્ષના ઉમેદવાર છે


વિપક્ષ વતી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમણે 1990 થી 1991 સુધી ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરની સરકારમાં અને ફરીથી 1998 થી 2002 સુધી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી. યશવંત સિંહા વિદેશ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. 2018માં પાર્ટી છોડતા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. આ પછી તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. જો કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલા જ તેમણે TMC છોડી દીધી હતી.


એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું પલડું ભારે


રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું પલડું ભારે માનવામાં આવે છે. તેમને BJD, YSRCP, BSP, AIADMK, TDP, JD(S), શિરોમણિ અકાલી દળ, શિવસેના અને JMM જેવા પ્રાદેશિક પક્ષોનું સમર્થન મળ્યું છે. દ્રૌપદી મુર્મુનો વોટ શેર લગભગ બે તૃતીયાંશ સુધી પહોંચે તેવી શક્યતા છે.


સાંસદો અને ધારાસભ્યોના વોટનું મૂલ્ય શું છે?


તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ અનુસાર આ વખતે એક સાંસદના વોટની કિંમત 700 છે. તે જ સમયે, દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે. ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે, પછી ઝારખંડ અને તમિલનાડુમાં 176 છે. તે પછી મહારાષ્ટ્રમાં 175 છે. સિક્કિમમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય સાત છે, જ્યારે નાગાલેન્ડમાં નવ અને મિઝોરમમાં આઠ છે. મતદાન બાદ રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે.