Weather Update: દેશના ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department) શનિવારે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી ચારથી પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક સ્થિત છે. IMDએ જણાવ્યું છે કે પૂર્વ, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશના પૂર્વ, ઉત્તર-પશ્ચિમમાં નીચલા ટ્રોપોસ્ફિયરના સ્તરે ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. ઉત્તર પ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી લો પ્રેશર વિસ્તારની સિસ્ટમ સક્રિય થઈ છે. આ વરસાદી સિસ્ટમ સક્રીય થવાના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે આ હવામાન પ્રણાલીઓને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 29 જૂનથી 3 જુલાઈ સુધી ભારે વરસાદની અપેક્ષા છે. છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, ઝારખંડ અને ઓડિશામાં 29-30 જૂન અને બિહારમાં 30 જૂનથી 2 જુલાઈ સુધી ભારે વરસાદની અપેક્ષા છે.
IMD એ પણ આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તરપૂર્વમાં, આસામના ઉત્તર-પૂર્વીય ભાગ પર ચક્રવાતનું પરિભ્રમણ આગામી પાંચ દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અનેક જગ્યાએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ લાવશે.
આ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે
30 જૂનના રોજ અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ અને આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. IMD એ 29 જૂનથી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, કેરળ, તમિલનાડુ અને દરિયાકાંઠા અને દક્ષિણ કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
IMD એ એમ પણ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું શનિવારે પૂર્વી ઉત્તર પ્રદેશના બાકીના ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે. IMDએ કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.