Pawan Khera On PM Modi: કોંગ્રેસ અદાણી-હિંડનબર્ગ મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનાની માંગ કરી રહ્યા છે. વિરોધ કરવા જતા કોંગ્રેસના નેતા રીતસરના ભાન ભૂલ્યા હતા અને વડાપ્રધાન પદની ગરિમાના લીરે લીરા ઉડાડ્યા હતાં. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું પરંતુ તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને તેમના પિતાનું નામ જ ખોટું બોલ્યા હતાં. આટલુ ઓછું હોય તેમ વડાપ્રધાન પદની ગરિમાનું ઉલ્લંઘન કર્યા બાદ પણ પીએમ મોદીના નામ પર કટાક્ષ કરવાનું યથાવત રાખ્યું હતું. 


કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, અમે માત્ર અદાણીના કેસમાં જેપીસીની રચનાની માંગ કરી રહ્યા છીએ. જો નરસિમ્હા રાવ જેપીસીની રચના કરી શક્યા હોય, અટલ બિહારી વાજપેયી જેપીસી બનાવી શક્યા હોય તો નરેન્દ્ર ગૌતમ દાસ મોદીને શું વાંધો છે.


"હું મૂંઝવણમાં હતો"


પીએમનું ખોટું નામ લીધા બાદ પવન ખેડા રોકાયા હતાં અને આસપાસ બેઠેલા લોકોને પૂછ્યું હતું કે, તેમનું નામ નરેન્દ્ર ગૌતમ દાસ છે કે દામોદર દાસ? બાદમાં તેમણે કહ્યું હતું કે, નામ ભલે દામોદર દાસ હોય, પણ કામ ગૌતમદાસનું છે. આ નિવેદન બાદ પવન ખેડાએ ટ્વિટ કર્યું હતું કે, હું ખરેખર મૂંઝવણમાં હતો કે તે દામોદરદાસ છે કે ગૌતમ દાસ.


અદાણી પર પણ નિશાન સાધ્યું હતું


આ પછી પવન ખેડાએ પણ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું હતું. તેણે ટ્વીટ કર્યું કે એક ગૌતમ એવા હતા જે તપ કરીને બુદ્ધ બન્યા. એક આ ગૌતમ છે, જેના માટે આખી સરકાર છેલ્લા નવ વર્ષથી તપસ્યા કરી રહી છે અને સરકારના વડા રોજ અઢાર કલાક તપસ્યા કરે છે.






ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો 


પવન ખેડાના નિવેદન પર ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. પવન ખેરાના નિવેદન પર પલટવાર કરતા બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદી અને તેમના પરિવારને નિશાન બનાવ્યા હોય. તેમણે કહ્યું હતું કે, તેઓ હજુ પણ સ્વીકારી શક્યા નથી કે એક નમ્ર વ્યક્તિ આટલો લોકપ્રિય નેતા કેવી રીતે બની ગયો છે. ગાંધી પરિવાર આવા તત્વોને પ્રોત્સાહન આપે છે.


ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. આ વાત દેશનો સામાન્ય વ્યક્તિ પણ જાણે છે. જ્યારે કોંગ્રેસના અનુભવી અને દિગ્ગજ નેતા પવન ખેડાએ નરેન્દ્ર દામોદર દાસ મોદીના બદલે નરેન્દ્ર ગૌતમ દાસ બોલી વડાપ્રધાનના નામ સાથે ગંભીર ચેડા કર્યા હતાં. ખેડાએ વડાપ્રધાન પદની ગરિમાનો ભંગ કર્યો હતો. આ મામલે પછતાવવાના કે ભૂલ સુધારવાના બદલે તેમણે ઉપરથી પીએમ મોદી પર કટાક્ષ યથાવત રાખ્યા હતાં. જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો છે.