નવી દિલ્હીઃ શુદ્ધ પીવાના પાણીને લઇને કેન્દ્ર સરકારના મંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચે શાબ્દિક જંગ છેડાઇ ગયો છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની ગુણવત્તાને લઇને હવે રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. પાસવાને કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે જો તમે પાણી વિશે સાચા હોય તો તમારી મિટિંગોમાં લોકોને નળનુ પાણી પીવડાવી જુઓ. પાસવાનના આ નિવેદન બાદ રાજનીતિ વધુ ઘેરાઇ છે.

કેન્દ્રીય ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી કેજરીવાલને પડકર ફેંકતા કહ્યું કે, જો દિલ્હીનુ પાણી શુદ્ધ હોય તો તમે તમારી મિટિંગોમાં લોકોને નળનુ પાણી પીવડાવી જુઓ. ભારતીય માપદંડ બ્યૂરોના રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે પાણીની ગુણવત્તા માપનારા 19 માપદંડો પર દિલ્હીનુ પાણી ફેઇલ રહ્યું છે. દિલ્હીમાં પીવાનુ પાણી દેશમાં સૌથી ખરાબ છે. આ બાદ નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ ચાલુ થઇ ગયો હતો.

સીએમ કેજરીવાલે મંત્રી પાસવાન પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે, તો સામે પાસવાને કહ્યું કે મારી એલજેપી પાર્ટી દિલ્હીમાં ક્યારેય ચૂંટણી નથી લડી, તો હું કઇ રીતે રાજનીતિ કરી રહ્યો છું.



દિલ્હીનું પાણી સૌથી ગંદુઃ રિપોર્ટ
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)ના લિસ્ટમાં દિલ્હીનુ પાણી સૌથી ગંદુ બતાવવામાં આવ્યુ હતુ, અરવિંદ કેજરીવાલ સતત બીઆઇએસના લિસ્ટને રાજકીય પ્રેરિત બતાવી રહ્યાં છે. હવે પાણી પર આવેલા રાજકારણમાં હવે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ કેજરીવાલને એક ચિઠ્ઠી લખીને પડકાર ફેક્યો હતો.

પાસવાને કહ્યું કે, કેજરીવાલ પાણીની તપાસ માટે પોતાનો પ્રતિનિધિ બતાવે, અમે જ્યાં કહેશો ત્યાં જઇને પાણીનુ સેમ્પલ લઇશું. અમે તેને ટેસ્ટ કરીને બતાવીશું. દિલ્હીનુ પાણી સૌથી ગંદુ છે.