Wayanad landslide: વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. કેરળમાં સત્તાવાર શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે અને કાલે શોક રહેશે. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે. રાજ્ય સરકારના સત્તાવાર કાર્યક્રમો અને કામો આજે અને આવતીકાલે મોકૂફ રાખવામાં આવ્યા છે.






વાયનાડ ભૂસ્ખલન મુદ્દે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું કે કેન્દ્ર સરકાર આ આફતથી પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું કે એનડીઆરએફની બે ટીમો, સેનાની બે ટુકડીઓ અને વાયુસેનાના બે હેલિકોપ્ટર બચાવ અને સર્ચ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવ્યા છે.


સરકારે આર્મીને વાયનાડમાં બચાવ કામગીરી માટે આર્મી ડોગ સ્ક્વોડ પ્રદાન કરવા વિનંતી કરી છે. સરકારની વિનંતી મુજબ, મેરઠ આર. વી.સી. આર્મીની ડોગ સ્ક્વોડ આવશે. સર્ચમાં ફોરેસ્ટનું ડ્રોન પણ સામેલ થશે. વાયનાડમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.  


બચાવકામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો જોડાયા


બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ માંગવામાં આવી છે. વાયનાડમાં છેલ્લા 24 કલાકમાં 372 મીમી વરસાદ નોંધાયો છે. સૈન્યના જવાનોની એક ટીમ ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડથી કન્નુરથી શોધ અને બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે.


ભૂસ્ખલન પર કેરળના મંત્રી એમ.બી. રાજેશે કહ્યું હતું કે વિવિધ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે સેના પાસેથી મદદ માંગી છે જે જલ્દીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જશે. મુખ્યમંત્રી આ અભિયાન પર નજર રાખી રહ્યા છે. તેમણે મંત્રીઓની એક ટીમને વાયનાડ મોકલી છે. 250 લોકોને બચાવીને કામચલાઉ આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. અમે ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢી રહ્યા છીએ. બચાવ કાર્ય માટે સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 


ભૂસ્ખલનને લઈ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "આજે વહેલી સવારે વાયનાડમાં ભૂસ્ખલન થયુ છે. મુંડકાઈ ગામનો સંપર્ક તૂટી ગયો છે અને આ ત્રાસદીના કારણે જાનહાનિ અને વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરવાનું બાકી છે."


રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, "મેં રક્ષામંત્રી અને કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે બચાવ અને તબીબી સંભાળ માટે તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે, મૃતકોને તાત્કાલિક વળતર આપવામાં આવે. જો શક્ય હોય તો વળતર વધારવું જોઈએ." મહત્વપૂર્ણ પરિવહન અને સંદેશાવ્યવહાર લાઇનને પુનઃસ્થાપિત કરવી જોઈએ, શક્ય તેટલી વહેલી તકે રાહતની વ્યવસ્થા કરવી જોઈએ અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ.