નવી દિલ્હી:  કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરલ ભૂસ્ખલ મુદ્દે બોલ્યા હતા. 


કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે 60 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને લઈ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "આજે વહેલી સવારે વાયનાડમાં ભૂસ્ખલન થયુ છે. મુંડકાઈ ગામનો સંપર્ક તૂટી ગયો છે અને આ ત્રાસદીના કારણે જાનહાનિ અને વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરવાનું બાકી છે."


રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, "મેં રક્ષામંત્રી અને કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે બચાવ અને તબીબી સંભાળ માટે તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે, મૃતકોને તાત્કાલિક વળતર આપવામાં આવે. જો શક્ય હોય તો વળતર વધારવું જોઈએ." મહત્વપૂર્ણ પરિવહન અને સંદેશાવ્યવહાર લાઇનને પુનઃસ્થાપિત કરવી જોઈએ, શક્ય તેટલી વહેલી તકે રાહતની વ્યવસ્થા કરવી જોઈએ અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ.






રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હું બોલી રહ્યો છું ત્યારે પણ વાયનાડ અને પશ્ચિમ ઘાટના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં ભૂસ્ખલનની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોના નકશા બનાવવાની અને પર્યાવરણીય રીતે નાજુક પ્રદેશમાં કુદરતી આફતોની વધતી જતી ઘટનાઓને રોકવા માટે  પગલાં અને યોજનાઓ બનાવવાની તાત્કાલિક જરૂરિયાત છે.


ભૂસ્ખલનને કારણે પહાડો પરથી મોટા મોટા પથ્થરો નીચે પડી રહ્યા છે અને બચાવકર્મીઓના માર્ગમાં અવરોધો ઉભી કરી રહ્યા હતા. ભારે વરસાદ હોવા છતાં કામમાં રોકાયેલા લોકો મૃતકો અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોઈ શકાય છે.


પીએમ મોદી અને સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરાઈ છે.