Wayanad landslide: કેરળના વાયનાડમાં ભયાનક દુર્ઘટના બાદ ભારતીય સેનાએ રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. ગુરુવારે, સૈનિકોએ રેકોર્ડ સમયમાં ભૂસ્ખલન સ્થળ નજીક નદી પર બેલી બ્રિજનું બાંધકામ પૂર્ણ કર્યું હતું. વાયનાડથી સામે આવેલા એક વીડિયોમાં સેનાના જવાનો 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળે છે.
ભારતીય સેના દ્વારા વાયનાડમાં બેલી બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. પુલની મજબૂતાઈ ચકાસવા માટે સેનાએ પહેલા તેના વાહનોને નદીની બીજી બાજુએ ખસેડ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ બાંધકામ સાથે જોડાયેલા સેનાના જવાનોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. બ્રિજના નિર્માણથી હવે ભારે વાહનોને ભૂસ્ખલન સ્થળ પર લઈ જઈ શકાશે.
ભારતીય સેનાએ રેકોર્ડ સમયમાં આ પુલનું નિર્માણ પૂર્ણ કર્યું છે. CL 24 બેલી બ્રિજ ઈરુવાનીપઝા નદી પર ચૂરલમાલાને મુંડક્કાઈથી જોડે છે. આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે અને તેને સિવિક એડમિનિસ્ટ્રેશનને સોંપી દેવામાં આવ્યો છે.
આ પુલ પરથી 24 ટન વજનનું વાહન લઈ જઈ શકાય છે. સેનાએ જણાવ્યું કે આ પુલ 190 ફૂટ લાંબો છે. પરંપરા મુજબ કમાન્ડર સૌ પ્રથમ પુલ પર ગયા હતા. વાયનાડ ભૂસ્ખલન સ્થળ પર બેલી બ્રિજનું બાંધકામ 16 કલાકની અંદર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આર્મીના જવાનોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા.
અત્યાર સુધીમાં 289 લોકોના મોત
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અત્યાર સુધીમાં 289 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે કેરળ પહોંચ્યા અને પીડિત પરિવારોને મળ્યા હતા.
સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે વાયનાડમાં ભારે વરસાદ આફત બની ગયો. સવારે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ત્રણ વખત ભૂસ્ખલન થયું હતું અને પર્વતની નીચે ચેલિયાર નદીના કેચમેન્ટમાં આવેલા ચાર ગામો ચૂરલમાલા, અટ્ટામાલા, નૂલપુઝા અને મુંડક્કઈમાં વિનાશ સર્જાયો હતો.