લખનઉઃ કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજ્યમાં 14 લાખ મનરેગા મજૂરોને કામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પરત ફરી રહેલા સાડા છ લાખ મજૂરોનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. પ્રવાસી મજૂરોને લઈ રાજનીતિ ન થાય તેમ કહી યોગીએ જણાવ્યું સરકાર ગરીબોની મદદ કરી રહી છે.

યોગી આદિત્યનાથે કહ્યું, પ્રથમ વખત સંકટના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત એક મોટું રાહત પેકેજ જાહેર થયું. જે લોકો તેમના શાસનકાળમાં ગરીબો, મહિલાઓની કલ્યાણકારી યોજનાઓના પૈસા ચાંઉ કરી જતા હતા તેના બદલે આજે ગરીબોના ખાતામાં સીધા જ રૂપિયા જમા થતાં હોવાથી તેમનો રઘવાટ સ્પષ્ટ જોવા મળે છે. તેમણે કહ્યું, 2.34 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આવી ચુક્યા છે. 3.26 કરોડ મહિલાઓના જન-ધન એકાઉન્ટમાં પ્રથમ અને બીજો હપ્તો જમા થઈ ચુક્યો છે.



સીએમ યોગીએ કહ્યું, 1.47 કરોડ પરિવારોને નિઃશુલ્ક રસોઈ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ કરાવાયા છે. 18 કરોડ ગરીબોને 2 વખત રાશને વહેંચવામાં આવ્યું છે અને ત્રીજી વખત વિતરણ થવા જઈ રહ્યું છે. 30 લાખથી વધારે દાડિયા મજૂરો અને ગરીબ લોકોને સરકાર 1000 રૂપિયાનું ભરણ પોષણ ભથ્થું અને ફ્રી રાશન આપી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2766પર પહોંચી છે. 50 લોકોના મોત થયા છે અને 802 લોકો સાજા થઈ ગયા છે.