નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિને લઈ આરોગ્ય મંત્રાલયે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કેટલાક વિસ્તારમાં બીજી લહેર હજુ પણ મર્યાદીત સ્વરૂપે હાજર છે.  હિલ સ્ટેશનો પર ફરવા જતાં લોકો કોવિડ ગાઇડલાઇનને ફોલો નથી કરતાં. જો પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો અમે પ્રતિબંધોમાં આપેલી ઢીલ ફરીથી રદ્દ કરી શકીએ છીએ.


આ ઉપરાંત તમણે એમ પણ કહ્યું કે, દેશના 90 જિલ્લામાં  80 ટકાથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં એકટિવ કેસની સંખ્યા 5 લાખથી નીચે આવી ગઈ છે. હજુ એવા અનેક જિલ્લા છે જ્યાં સંક્રમણ દર 10 ટકા છે. અહીંયા કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. આ જિલ્લામાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું, દેશમાં છેલ્લા 9 દિવસથી સતત 50 હજારથી ઓછા કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.




ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા.  દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 42 કરોડ 2 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 15 લાખ 22 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.