Weather Forecast: દેશમાં ઉનાળો શરુ થઈ ગયો છે. કાળઝાળ ગરમી પડી રહી છે.  વરસાદે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. IMDના એલર્ટ અનુસાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ પડશે. દેશના પહાડી રાજ્યોને કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે. વરસાદ બાદ ઘણા રાજ્યોમાં તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળશે.


આ રાજ્યો માટે IMDનું એલર્ટ આપ્યું છે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં શનિવાર (13 એપ્રિલ) સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. આ સિવાય રાજસ્થાનના 14 જિલ્લામાં પણ વરસાદનું એલર્ટ છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને આંદામાન નિકોબારમાં પણ વરસાદ પડી શકે છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં 13 એપ્રિલ પછી હિમવર્ષા થવાની સંભાવના છે. તેલંગાણા, કેરળ,  કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 15 એપ્રિલ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


જમ્મુ-કાશ્મીરમાં 13 અને 14 એપ્રિલે અને હિમાચલ પ્રદેશમાં 14 એપ્રિલે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. તેવી જ રીતે 13 થી 14 એપ્રિલની વચ્ચે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. 15મી સુધી રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર ચક્રવાતી પવનોનો વિસ્તાર છે. એક રેખા દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ થઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને નીચલા સ્તરે, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરે છે. સક્રિય પશ્ચિમી વિક્ષેપ 12 એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. જેના કારણે વરસાદ પડશે.


15 એપ્રિલ પછી ગરમી પડશે


હવામાન વિભાગે કહ્યું કે હવામાનમાં ફેરફારનું કારણ ઈરાન અને પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં પહોંચતા પવનો છે, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. જો કે, 15 એપ્રિલ પછી હવામાન ફરી બદલાશે. ત્યાર બાદ રાજ્યોમાં આકરી ગરમી પડશે. પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.આગામી દિવસોમાં રાજધાની દિલ્હીનું તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે.