Tomorrow weather forecast IMD: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાના બદલાતા મિજાજ વચ્ચે દેશના 22 રાજ્યો માટે વરસાદની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના ઘણા હિસ્સાઓમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદ બાદ હવે આગામી 24 કલાકમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સહિતના 22 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની આશંકા છે. આ સમયગાળા દરમિયાન 75 કિમી/કલાકની ઝડપે તોફાની પવન અને વાવાઝોડું આવવાની પણ સંભાવના છે, જેને પગલે તંત્ર દ્વારા લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
દિલ્હી-એનસીઆરમાં વરસાદી માહોલ વચ્ચે યલો એલર્ટ
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જુલાઈના રોજ પણ દિવસભર આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને સવારના સમયથી જ ઘણા વિસ્તારોમાં મધ્યમ સ્તરનો વરસાદ શરૂ થઈ શકે છે. વરસાદની સાથે 20 થી 30 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું પણ આવી શકે છે. સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32-34°C અને લઘુત્તમ તાપમાન 25-27°C વચ્ચે રહેવાની ધારણા છે. જોકે, સાંજના સમયે ગરમી અને અસહ્ય ભેજવાળું વાતાવરણ પરેશાન કરી શકે છે, જેથી હવામાન વિભાગે ભેજને લઈને ખાસ યલો એલર્ટ જારી કર્યું છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં તોફાની પવન સાથે આકાશી આફતની આશંકા
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. IMD ના અહેવાલ મુજબ, પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદ થશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે આફત તૂટી પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં વરસાદનો આ સિલસિલો 22 જુલાઈ સુધી સતત યથાવત રહેશે. બીજી તરફ, પાડોશી રાજ્ય બિહારમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. 20 જુલાઈના રોજ બિહારના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા કહેવાયું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી આભ ફાટશે! આ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા
જમ્મુ-કાશ્મીરમાં પૂરથી તબાહી, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી
પહાડી રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. પૂંચ અને રાજૌરી જિલ્લામાં વાદળ ફાટવા જેવી ઘટનાઓ અને અચાનક આવેલા પૂરના કારણે સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક પરિસ્થિતિ અને હવામાન વિભાગની આગામી ભારે વરસાદની રેડ એલર્ટની ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે મોટો નિર્ણય લીધો છે. સાવચેતીના પગલા રૂપે પવિત્ર અમરનાથ યાત્રા તેમજ માતા વૈષ્ણો દેવી અને શ્રી શિવ ખોરી યાત્રાને અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે અને યાત્રાળુઓને કાશ્મીરના બાલતાલ-નુનવાન બેઝ કેમ્પ તેમજ જમ્મુના ભગવતી નગર યાત્રા નિવાસથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
પહાડોમાં ભૂસ્ખલનનો ભય અને અન્ય રાજ્યોની સ્થિતિ
મેદાની વિસ્તારોની સાથે પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. આ બંને રાજ્યોના પહાડી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થવાની પૂરેપૂરી આશંકા છે, જેથી સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટીતંત્રે પેટ્રોલિંગ અને દેખરેખ વધારી દીધી છે. આ ઉપરાંત, મધ્ય અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો, 20 થી 22 જુલાઈ દરમિયાન હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં ભારે વરસાદનું એલર્ટ છે. પૂર્વી રાજસ્થાનમાં 20 થી 25 જુલાઈ સુધી ચોમાસું જામશે, જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.
