IMD Alert News: ઉનાળો એ હદે આકરો બન્યો છે કે આકાશમાંથી જાણે રીતસરની અગનજ્વાળા વરસી રહી હોય. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, આગામી એક સપ્તાહ સુધીમાં વરસાદ પડી શકે છે, જેના કારણે હીટવેવ ઘટશે. જેથી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. ગુજરાતવાસીઓને આ સપ્તાહે જ ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. 


ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે કેટલાંક રાજ્યોની યાદી બહાર પાડીને કહ્યું હતું કે, આવતા અઠવાડિયે વરસાદ પડશે અને આગામી પાંચ દિવસ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ થોડી હળવી બને તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ આગામી સમયમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 


પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, આસામ સહિત અન્ય રાજ્યોની યાદી બહાર પાડતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ રાજ્યોના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ અને ભારે પવનની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આકરી ગરમીથી રાહત મળી છે, જેના કારણે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની મર્યાદાથી નીચે રહેવાની આશંકા છે.


આ રાજ્યોમાં આવતા અઠવાડિયે વરસાદ પડશે


IMD બુલેટિન અનુસાર, રવિવાર અને મંગળવારે અનુક્રમે ઉત્તર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આ સિવાય રવિવાર અને સોમવારે ઓડિશામાં કરા પડવાની સંભાવના છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ત્યાં જ સોમવારે બિહારમાં કરા પડવાની સંભાવના છે.


IMD એ આગામી બે દિવસમાં ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં ગાજવીજ, વીજળી, તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી અને કહ્યું હતું કે તે પછી ધીમે ધીમે ઘટશે. રવિવારે આસામ અને મેઘાલય રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢના પૂર્વ ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટોછવાયો વરસાદ પડશે. આ ઉપરાંત સોમવાર સુધી છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આગામી બે દિવસમાં કરા પડી શકે છે.


બીજી તરફ જો દરિયાકાંઠાના રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, યનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને માહેમાં સોમવાર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. આવતીકાલે કોસ્ટલ આંધ્ર, યાનમ, તેલંગાણામાં પણ કરા પડવાની સંભાવના છે.


IMD એ જણાવ્યું કે આ વિસ્તારોના ભાગો, બાકીના આંધ્રપ્રદેશ અને તેલંગાણા, આંતરિક કર્ણાટક સહિતના અન્ય રાજ્યોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતના બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.


મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પ્રદેશોમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા, છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં બુધવાર અને ગુરુવારે હળવો અને છુટો છવાયો વરસાદ પડે તેવી શકયતા છે. જેથી ધોમ ધખતા ઉનાળામાં ગરમીમાં સેકાતા ગુજરાતીઓને વરસાદમાંથી મોટી રાહત મળે તેવી શક્યતા છે.  હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાન સિવાય સમગ્ર વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.