Weather In India: ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી સતત ઠંડીની ઝપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 21 થી 25 જાન્યુઆરીની વચ્ચે એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 21મીએ વહેલી સવારે વરસાદ અને હિમવર્ષાની પ્રક્રિયા ચાલુ રહેશે. 23 અને 25 જાન્યુઆરી સુધીમાં તે વધુ તીવ્ર થવાની ધારણા છે.


આ સિવાય 23 અને 25 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. જોકે આનાથી લોકોને પ્રદૂષણ અને સૂકી ઠંડીથી રાહત મળશે.


રાજધાની દિલ્હીની સ્થિતિ


દિલ્હીની વાત કરીએ તો અહીં લોકો ઠંડીથી બચવા માટે આગનો સહારો લઈ રહ્યા છે. ઘણા ઘરવિહોણા દિલ્હીવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેઓને અધિકારીઓ તરફથી વધુ મદદ મળી નથી. મિન્ટો રોડના લોકોનું કહેવું છે કે સરકાર તરફથી કોઈ મદદ મળી નથી અને તેથી તેમને ઠંડીથી બચવા માટે આગનો સહારો લેવાની ફરજ પડી છે.






ધુમ્મસના કારણે મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય રેલવેએ માહિતી આપી હતી કે ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 6 ટ્રેનો મોડી ચાલી રહી છે. કાશ્મીરની વાત કરીએ તો ઉપરના વિસ્તારોમાં સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. જો કે આગામી દિવસોમાં ધુમ્મસ અને કોલ્ડવેવથી રાહત મળશે.


ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું છે કારણ કે પર્વતીય વિસ્તારોમાં જબરદસ્ત હિમવર્ષા થઈ રહી છે. જમ્મૂ-કશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાથી જનજીવન પ્રભાવીત થયું છે. ક્યાંક સતત તો ક્યાં રોકાઈ રોકાઈને હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારો બરફમાં ઢંકાયા છે રસ્તા પર બરફની મોટી પરત જમા થઈ જતા, ક્રેનની મદદ લેવી પડી છે. તો લદાખ અને દ્રાસ કેમ જાણે બરફના રણ બની ગયા હોય, તેમ ચોમેર બરફની ચાદર જોવા મળી રહે છે. મંગળવારે લદાખમાં પારો માઈનસ 29 ડિગ્રી પર પહોંચ્યો હતો.