Weather Update: દિલ્હી અને આસપાસના કેટલાક વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું અને ઠંડા પવનો ફૂંકાયા હતા. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર કેટલાક રાજ્યો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.


ગુજરાતની નદીઓમાં પૂર


બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 26 જુલાઈ સુધી સતત 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


નખત્રાણાની મોટાભાગની નદીઓમાં પૂર છે. નાના અંગિયા અને મોટા અંગિયા ગામો વચ્ચે વહેતી ભુખી નદીના કારણે બે ગામોને જોડતો રસ્તો ધોવાઇ ગયો છે. આ ઉપરાંત જામજોધપુરના સોગાથી ડેમમાં પણ તિરાડ પડી છે.વલસાડ જિલ્લાની ઔરંગા, કોલક, દમણગંગા, માન નદી સહિતની તમામ નદીઓમાં પૂર આવ્યું છે. જેના કારણે જિલ્લાના 47 માર્ગો પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જિલ્લામાં નદીઓના જળસ્તર વધવાને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.


ભારે વરસાદને કારણે મુંબઈમાં અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે ત્યારે ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સાથે બુધવારે યુપી અને ઉત્તરાખંડ સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


હિમાચલમાં 25 રસ્તાઓ બંધ


હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગની ચેતવણી વચ્ચે સોમવારે રાત્રે કાંગડા, ધર્મશાલા, પાલમપુર અને ધૌલાકુઆંમાં ભારે વરસાદ થયો હતો. રાજધાની શિમલા અને ધર્મશાલામાં ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. રાજ્યમાં 25 રસ્તાઓ ભારે વરસાદથી બંધ થયા હતા. મંડી જિલ્લાના ઘણા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.


અહીં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી


હવામાન વિભાગે બુધવારે જે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમાં ઉત્તરાખંડ, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ સાથે હિમાચલ, ઉત્તરાખંડ, યુપી અને રાજસ્થાનમાં 26 જૂલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.