Weather Update Today: દેશના કેટલાક ભાગોમાં ચોમાસાએ જમાવટ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના છે. એટલું જ નહીં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હીમાં આજે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. આજે IMDએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર સહિત અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?
શનિવારે દિલ્હી-NCRમાં વરસાદ બાદ ગરમી અને ભેજથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. મહારાષ્ટ્રના નાગપુરમાં પૂર બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે, જેના કારણે 10 હજાર ઘરોને નુકસાન થયું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીડિતોને વળતરની જાહેરાત કરી છે. IMDએ નાગપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
IMDની આગાહી અનુસાર, આજે પશ્ચિમ આસામ, મેઘાલય, દક્ષિણ મધ્યપ્રદેશ, ગુજરાત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ તથા કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે, પૂર્વોત્તર ભારત, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક અથવા બે તીવ્ર વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે.