નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાની જોરદાર શરૂઆત થઇ ચૂકી છે, કેટલાક રાજ્યોમાં મેઘરાજાએ કેર વર્તાવ્યો છે. ત્યારે હવામાન વિભાગે અમૂક ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. કૉસ્ટલ કર્ણાટકા, કેરાલા અને દક્ષિણ કોંકણ ગોવામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગ અનુસાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશના પશ્ચિમ અને મધ્ય ભાગો, દક્ષિણ-પૂર્વીય રાજસ્થાન અને ગુજરાતના પૂર્વી વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.



પશ્ચિમ હિમાલયી રાજ્યો, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, વિદર્ભ, આંતરિક કર્ણાટકા, અંડમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, રાયલસીમા અને તામિલનાડુમાં પણ અમૂક જગ્યાએ છુટોછવાયો વરસાદ પડી શકે છે.

ખાસ વાત છે કે છેલ્લા કેટલાક દિવસોથી કેરાલા અને કર્ણાટકામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, કેરાલામાં ભૂસ્ખલનથી મરનારાઓની સંખ્યા 52 પર પહોંચી ગઇ છે.