India Weather Updates: ઉત્તર-પશ્ચિમ ભારત ભારે ગરમીની ઝપેટમાં છે. મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી ભીષણ આગ વરસી રહી છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નજફગઢમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દેશમાં સૌથી વધુ હતું. એટલું જ નહીં, 14 વર્ષ પછી 17 મે એટલે કે શુક્રવારે દિલ્હીમાં આટલી તીવ્ર ગરમીનો અનુભવ થયો. હરિયાણાના સિરસામાં પણ પારો 47.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત નહીં મળે.
દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 23 મે સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. તેનાથી વિપરીત, દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 23 મે સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 19, હરિયાણામાં 18, દિલ્હીમાં 8 અને પંજાબમાં બે જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપના વિજ્ઞાાનીઓએ જણાવ્યું છે કે કલાયમેટ ચેન્જને કારણે પડી રહેલ હિટવેવને કારણે સમગ્ર એશિયામાં વસતા ગરીબોનું જીવન વધુ મુશ્કેલ બની રહ્યું છે.
રેડ-ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં અત્યંત તીવ્ર ગરમીના મોજાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં તીવ્ર ગરમીના મોજાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવજાત બાળકો, વૃદ્ધો અને હઠીલા રોગોના દર્દીઓ સહિત નબળા લોકોની કાળજી લેવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શનિવારે દિલ્હી-NCRમાં આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન ગરમ અને સૂકા પવનની શક્યતા છે. કેટલાક ભાગોમાં હીટવેવ જોવા મળી શકે છે. IMDએ કહ્યું છે કે યુપીના કાનપુર, લખનૌ જેવા શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી થવા જઈ રહ્યું છે. પશ્ચિમી પવનોને કારણે તાપમાનમાં વધારો થશે. બિહારમાં પણ હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે.
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તેલંગાણા, તટીય કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપના ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે.
દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, તમિલનાડુ, આંતરિક કર્ણાટક, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઉત્તર-પૂર્વ ભારત, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ લોકોને હળવા વરસાદથી રાહત મળવાની છે.