નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આજે મિદનાપુરની રેલીમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં લાંબા સમયથી નારાજ ચાલી રહેલા ટીએમસીના મંત્રી શુભેન્દુ અધિકારીએ ભાજપનો કેરસરીયો ખેસ ધારણ કરી લીધો છે. તે સિવાય ટીએમસી સાંસદ સુનીલ મંડલ અને ટીએમસી, લેફ્ટ અને કૉંગ્રેસના 10 અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. અમિત શાહની હાજરીમાં મમતા સરકારમાં મંત્રી રહેલા શુભેન્દુ અધિકારી સિવાય ટીએમસી, લેફ્ટ અને કૉંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં ટીએમસીના 6 ધારાસભ્ય સામેલ છે. અને સીપીએમના 2, સીપીઆઈના 1 અને કૉંગ્રેસના 1 ધારાસભ્ય સામેલ છે. શુભેન્દુનું ભાજપમાં સામેલ થવું મમતા બેનર્જી માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. શુભેન્દુની બંગાળમાં 20 -25 વિધાનસભા સીટો પર મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. શુભેન્દુએ 27 નવેમ્બરે ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કેટલાક નેતાઓએ કહ્યું હતું કે, બંગાળમાં તૃણમૂલને કોઈ હરાવી નહીં શકે. હું તેમને યાદ કરાવવા માંગુ છું કે, સાંસદની ચૂંટણીમાં કહેતા હતા કે ભાજપ ખાતુ પણ નહીં ખોલાવી શકે, અમારા દિલીપ ઘોષની અધ્યક્ષતા અને મોદીજીના નેતૃત્વમાં 18 સીટો ભાજપે જીતી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી સુધી મમતા એકલા રહી જશે.