Mamata Banerjee Meets Suvendu: પશ્ચિમ બંગાળની રાજનીતિ અચાનક કરવટ બદલી શકે છે. અચાનક બદલાયેલી રાજનીતિ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજકીય સોગઠી મારી છે. મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આજે વિધાનસભામાં અચાનક જ વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કરતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. 


મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી વચ્ચેની બેઠકોનો સિલસિલો લગભગ સાત મિનિટ સુધી ચાલ્યો હતો. ખુદ મમતા બેનરજીએ જ અધિકારીને સામે ચાલીને મળવા માટે સંદેશો મોકલ્યો હતો. મહત્વની વાત એ છે કે શુભેન્દુ અધિકારીની સાથે બે ધારાસભ્યો પણ મમતા બેનરજીને મળવા માટે પહોંચ્યા હતાં. 


બંગાળમાં અચાનક ઘટેલી રાજકીય ઘટનાએ સૌકોઈનું ધ્યાન પોતાના તરફ ફેંક્યુ છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ સામે ચાલીને તેમના માર્શલ મારફતે વિરોધ પક્ષના નેતા અને ભાજપના કદ્દાવર નેતા શુભેંદુ અધિકારીને મળવા માટે બોલાવ્યા હતાં. શુભેંદુ અધિકારીએ માર્શલને કહ્યું હતું કે તેઓ તેમને એકલા મળવા નહીં જાય, પરંતુ અન્ય બે ધારાસભ્યો પણ તેમની સાથે જશે. થોડા જ સમય બાદ શુભેન્દુ અધિકારી પાર્ટીના ધારાસભ્યો અગ્નિમિત્રા પોલ અને મનોજ તિગ્ગા સાથે મુખ્યમંત્રીના રૂમમાં જતા જોવા મળ્યા હતા. તે એક પરસ્પર સંવાદ માટેની બેઠક હોવાનું બહાર આવ્યું છે. જો કે આ બેઠક માત્ર 7 જ મિનિટ ચાલી હતી.


અગાઉ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે જ્યારે પણ રાજ્ય સરકાર ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરે છે ત્યારે કેટલાક લોકો કોર્ટનો સંપર્ક કરે છે અને મુશ્કેલીઓ ઉભી કરે છે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન રાશન ડીલરોની નવી નિમણૂંક અંગેના પ્રશ્નના જવાબમાં બેનર્જીએ કહ્યું હતું કે, સરકાર ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે, પરંતુ રાજ્યના તમામ નાણાં કોર્ટ કેસ લડવામાં ખર્ચવા પડશે.


પરિસ્થિતિને લઈને નારાજગી વ્યક્ત કરતા તેમણે ન્યાયતંત્રને તેની તપાસ કરવા વિનંતી કરી હતી. નોંધનીય છે કે સરકારી અને રાજ્ય પ્રાયોજિત શાળાઓમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂકો ન્યાયિક તપાસ હેઠળ છે કારણ કે અનેક ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી કોર્ટમાં ગયા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)આ કૌભાંડની તપાસ કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે, શુભેંદુ અધિકારી અગાઉ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસમાં જ હતાં. પરંતુ વર્ષ 2021માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા પહેલા જ અધિકારીએ મમતા સાથે છેડો ફાડ્યો હતો અને તેઓ ભાજપમાં શામેલ થઈ ગયા હતાં. તેઓ મમતા સામે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યાં હતાં અને જીત્યા પણ હતાં. જોકે ભાજપને સ્પષ્ટ બહુમતિ ના મળતા શુભેંદુ અધિકારીને વિરોધ પક્ષના નેતા બનવવામાં આવ્યા હતાં.