પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા બાદ કોલકાતાની હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન તેમણે એક વીડિયો શેર કરી પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું કે મારા માથામાં અને પગમાં ખૂબ જ દુખાવો છે.


મમતા બેનર્જીએ કહ્યું, કાર્યકર્તાઓ એવું કઈ નહી કરે જેનાથી માહોલ ખરાબ થાય. કાર્યકર્તા શાંતિ બનાવી રાખે. સ્વસ્થ થયા બાદ પ્રચાર કરીશ. તેમણે કહ્યું મને આશા છે કે 2થી 3 દિવસામાં પરત ફરીશ. સભામાં પણ હાજરી આપવાની છું. પગમાં દુખાવો છે પરંતુ ચલાવી લઈશ. પરંતુ કદાચ વ્હીલ ચેરમાં થોડા દિવસ રહેવું પડશે.


મુખ્યમંત્રી મમતા બેનર્જીએ  કહ્યું કે એ સત્ય છે કે કાલે મને ઈજા થઈ હતી, પગમાં ઈજા થઈ હતી. કાલે મને છાતીમાં અને માથામાં પણ દુખાવો થઈ રહ્યો હતો.


હું કારના બોનેટ પર ઉભા રહી નમસ્કાર કરી રહી હતી. ત્યારે ધક્કો મારવામાં આવ્યો. એવામાં મારી પાસે જે દવાઓ હતી તે લીધી, બાદમાં કોલકાતા તરફ રવાના થયા. ત્યારથી ડૉક્ટર્સ મારી સારવાર કરી રહ્યા છે.



ઉલ્લેખનીય છે કે ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચાર-પાંચ લોકોએ મને ધક્કો માર્યો, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા અને પગ, કમર અને ગળામાં ઈજા થઈ હતી. હાલ મુખ્યમંત્રીની કોલકાતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.