કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી આજે એકવાર ફરી ભાજપ પર નિશાન સાધ્યું છે અને આગામી લોકસભા ચૂંટણી માટે આગાજ કરી દીધી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કૉંગ્રેસ 15 ઓગષ્ટથી દેશભરમાં ‘બીજેપી હટાવો, દેશ બચાવો’ અભિયાન ચલાવશે. મમતા બેનર્જીએ કહ્યું કે, દેશભરમાં મોબ લિચિંગ થઈ રહી છે. તેઓ લોકોને તાલિબાની બનાવી રહ્યા છે.
કોલકતામાં એસ્પલેનેડમાં તૃણમૂલ કૉંગ્રેસની વાર્ષિક શહીદ દિવસ રેલીમાં તેઓએ કહ્યું, ‘15 ઓગષ્ટથી બીજેપી હટાવો, દેશ બચાવો અભિયાનની શરૂઆત કરશે. બંગાળ દેશને રસ્તો દેખાડશે.’
સીએમ મમતાએ કહ્યું, દેશભરમાં લિચિંગની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહી છે. લોકોની વચ્ચે તેઓ તાલિબાન બનાવી રહ્યા છે. ભાજપ અને આરએસએસમાં પણ સારા લોકો છે જેમનું હું સન્માન કરું છું. પરંતુ કેટલાક લોકો ગંદી રાજનીતિ રમી રહ્યા છે.
જણાવી દઈએ કે, આજના દિવસે 1993માં પશ્ચિમ બંગાળમાં વામપંથી શાસન દરમિયાન પોલીસ ફાયરિંગમાં કૉંગ્રેસના 13 યુવા કાર્યકર્તાનું મોત થયું હતું. જેના બાદ ટીએમસી દર વર્ષે 21 જુલાઈએ શહીદ દિવસ ઉજવે છે, તે સમયે મમતા બેનર્જી યુવા કૉંગ્રેસના પ્રમુખ હતા.