નવી દિલ્હીઃ અભિનેતા મિથુન ચક્રવર્તી 7મી માર્ચે બીજેપીમાં સામેલ થશે. પીએમ મોદીની બિગ્રેડ મેદાનમાં રેલીમાં મિથુન ચક્રવર્તી હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીની આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત થઇ હતી. આ પછી મિથુન ચક્રવર્તીની બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.


ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ રાજ્યસભામાં મોકલ્યા હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા.

ખાસ વાત છે કે બંગાળમાં 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન યોજાવવાનુ છે. પહેલા તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે, બીજા તબક્કાનુ મતદાન 1 એપ્રિલે થશે. આ અંતર્ગત 30 બેઠકો પર લોકો મતદાન કરશે. ત્રીજા તબક્કાના મતદાન માટે 6 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જ્યાં 31 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

10 એપ્રિલના ચોથા તબક્કામાં 44 બેઠકો પર મતદાન થશે, પાંચમા તબક્કાની ચૂંટણી 17 એપ્રિલે થશે, જ્યાં 45 બેઠકો પર મતદાન યોજાશે. આ ઉપરાંત 22 એપ્રિલે છઠ્ઠા તબક્કામાં 41 બેઠકો, 26 એપ્રિલે સાતમા તબક્કા અંતર્ગત 36 બેઠકો તો વળી અંતિમ અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. પરિણામ 2 મેએ જાહેર કરવામાં આવશે.