કોલકાતા:  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા બેનર્જીએ અજાણ્યા લોકો પર આરોપ લગાવ્યો છે કે ચારથી પાંચ લોકોએ તેમનો પગ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ડાબા પગમાં ઈજા થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


મમતા બેનર્જીને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીનો આરોપ છે કે, નંદીગ્રામમાં કેટલાક લોકોએ તેમની સાથે ધક્કા-મુક્કી કરી.  જેમાં તેમના પગમાં ઈજા પહોંચી છે.


મમતા બેનર્જીના મતે આ બધુ કાવતરા હેઠળ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ભાજપે કહ્યું કે, મમતા બેનર્જી નાટક કરી રહ્યા છે અને હારવાના ડરથી સહાનુભૂતિ મેળવી રહ્યા છે. આ તરફ ચૂંટણી પંચે પણ આ મામલે રિપોર્ટ માગ્યો છે. 




પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યમાં 27 માર્ચના રોજ મતદાન શરૂ થશે જ્યારે નંદિગ્રામમાં 1 એપ્રિલે મતદાન યોજાશે. મમતા બેનર્જીની નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ આ બેઠક રાજ્યની હોટ સીટ બની ગઈ છે.