દેહરાદૂન: ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ ઉત્તરાખંડના ગઢવાલથી ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ બેબી રાની મોર્યએ તેમને શપથ લેવડાવ્યા હતા. તીરથસિંહને ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં પાર્ટી નેતા તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીના શપથ લેનારા તીરથ સિંહ રાવતને 2017માં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી નહોતી. તે સમયે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ચૌબટ્ટાખાલના ધારાસભ્ય હતા. રાવતની ટિકિટ કાપીને કૉંગ્રેસમાંથી આવેલા નેતા સતપાલ મહારાજને આપવામાં આવી હતી. 2019માં તીરથ સિંહ રાવતે પોઢી ગઢવાલથી લોકસભા ચૂંટણી લડી હતી અને સાંસદ બન્યા હતા.
કોણ છે તીરથ સિંહ રાવત
- 56 વર્ષીય તીરથ સિંહ રાવત પૌડી ગઢવાલથી સાંસદ છે.
-વિદ્યાર્થી કાળથી જ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા છે. 1983-88 સુધી આરએસએસના પ્રચારક રહ્યા હતા. જે બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ઉત્તરાખંડ)ના સંગઠન મંત્રી અને રાષ્ટ્રીય મંત્રી પણ રહ્યા.
-1997થી 2000 સુધી ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય રહ્યા.
-2000માં ઉત્તરાખંડના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા અને 2002 સુધી કાર્યભાર સંભાળ્યો.
- 2012 થી 2017 સુધી ધારાસભ્ય રહ્યા
- 2013 થી 2015 સુધી ઉત્તરાખંડ બીજેપીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
- 2019 લોકસભા ચૂંટણીમાં તેણે કોંગ્રેસના મનીષ ખંડૂડીને 2.85 લાખથી વધુ મતથી હરાવ્યા હતા.