નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યમાં 27 માર્ચના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે.  ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં ભાજપના સ્ટાર પ્રચાર યાદીમાં સામેલ સાત લોકોને સુરક્ષા કવચ આપવાની તૈયારી કરી રહ્યું છે. તેમાંથી ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તી અને સાંસદ નિશિકાંત દુબેને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ બંનેની સુરક્ષા આપવાની પુષ્ટી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ કરી હતી. 


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર, મંત્રાલયના વીઆઈપી સુરક્ષા વિભાગની દેખરેખ રાખનારા અધિકારીઓને સુરક્ષા એજન્સીઓ તરફથી અહેવાલ મળ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન મોટા પાયે હિંસા ફેલાઈ શકે છે અને કેટલાક મોટા નેતાઓ તેનો ભોગ પણ બની શકે છે. આ માહિતીના આધારે, મંત્રાલયના વીઆઈપી સિક્યુરિટી ડિવિઝને આ માહિતીને ફરીથી ચકાસી હતી અને તેના બાદ ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તી અને સાંસદ નિશીકાંત દુબેને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. 


ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદ નિશીકાંત દુબે પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા જશે ત્યારે આ સુરક્ષા આપવામાં આવશે, પરંતુ ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને આગામી આદેશો સુધી આ સુરક્ષા મળશે.


ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનેક હસ્તીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને આમાં પશ્ચિમ બંગાળના સ્થાનિક રાજનેતાઓનો પણ  સમાવેશ થાય છે જેમની પાસે અગાઉ સુરક્ષા હતી પરંતુ ભાજપમાં જોડાયા બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા હટાવી લેવામાં આવી હતી.