West Bengal Exit Poll 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઔપચારિક પરિણામો પર છે. પરંતુ તે પહેલા જ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. અલગ-અલગ 4 મોટી એજન્સીઓના એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. તમામ સર્વે મુજબ, રાજ્યમાં વર્ષોથી સત્તા પર બેઠેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો ગઢ ધરાશાયી થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) 294 સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. ચાલો જાણીએ કઈ એજન્સીએ ભાજપ અને TMC ને કેટલી બેઠકો આપી છે.

Continues below advertisement

પોલ ડાયરીના આંકડા શું કહે છે?

પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. 294 બેઠકોમાંથી ભાજપને 142 થી 171 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, સત્તાધારી TMC ને મોટું નુકસાન થતું દેખાઈ રહ્યું છે અને તેને 99 થી 127 બેઠકો મળી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસના ફાળે 3 થી 5, ડાબેરી મોરચાને 2 થી 3 અને અન્યને 0 થી 1 બેઠક મળવાની આગાહી કરવામાં આવી છે. આ આંકડા રાજ્યમાં ભાજપની મજબૂત લીડ દર્શાવે છે.

Continues below advertisement

મેટ્રિઝ સર્વેમાં પણ ભાજપ આગળ

મેટ્રિઝ એજન્સીના સર્વેમાં પણ બંગાળમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. આ એક્ઝિટ પોલ અનુસાર ભાજપના ખાતામાં 146 થી 161 બેઠકો જઈ શકે છે. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી TMC ને 125 થી 140 બેઠકો મળવાનો અંદાજ છે. અન્ય પક્ષોને 6 થી 10 બેઠકો મળી શકે છે. આ સર્વે સ્પષ્ટ કરે છે કે ભલે ટક્કર કાંટાની હોય, પરંતુ ફાયદો સીધો ભાજપને થઈ રહ્યો છે.

ચાણક્ય સ્ટ્રેટેજીઝે આપી ભાજપને બહુમતી

ચાણક્ય સ્ટ્રેટેજીઝના એક્ઝિટ પોલના આંકડા ભાજપ માટે વધુ સારા સમાચાર લાવ્યા છે. તેમના મતે, 294 બેઠકો ધરાવતી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 148 નો જાદુઈ આંકડો જરૂરી છે, અને ભાજપ 150 થી 160 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવતી દેખાઈ રહી છે. આ સર્વેમાં TMC ને 130 થી 140 બેઠકો અને અન્યોને 6 થી 10 બેઠકો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

પ્રજા પોલની આગાહી: ભાજપની ઐતિહાસિક જીત

સૌથી વધુ ચોંકાવનારા આંકડા પ્રજા પોલના એક્ઝિટ પોલમાં સામે આવ્યા છે. આ સર્વે મુજબ બંગાળમાં ભાજપ શાનદાર અને ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. પ્રજા પોલે ભાજપને 178 થી 208 બેઠકો મળવાની જંગી આગાહી કરી છે, જે બહુમતીના આંકડા (148) કરતા ઘણી વધારે છે. તેની સામે TMC સમેટાઈ જતી દેખાય છે, જેને માત્ર 85 થી 110 બેઠકો મળવાનો અંદાજ છે. અન્ય પક્ષો 5 બેઠકો સુધી સીમિત રહી શકે છે. આ સર્વે બંગાળમાં ભાજપની પ્રચંડ લહેર હોવાનો ઈશારો કરે છે.