West Bengal Governor CV Anand Bose resigned: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલના આ રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
મમતા બેનર્જીની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને તેમણે લખ્યું, "પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બોઝના અચાનક રાજીનામાના સમાચારથી હું સ્તબ્ધ અને અત્યંત ચિંતિત છું. મને તેમના રાજીનામાનું કારણ ખબર નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા, જો આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્યપાલ પર કોઈ રાજકીય હિતો પૂરા કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તો મને નવાઈ નહીં લાગે".
તેમણે વધુમાં જણાવ્યું કે, 'કેન્દ્રીય ગૃહમંત્રીએ મને જાણ કરી છે કે આર.એન. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે (અમિત શાહ) આ બાબતે સ્થાપિત પરંપરા મુજબ મારી સાથે પરામર્શ કર્યો નથી. આવા પગલાં ભારતના બંધારણની ભાવનાને નબળી પાડે છે અને આપણી સંઘીય રચનાના પાયા પર પ્રહાર કરે છે. કેન્દ્રએ સહકારી સંઘવાદના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને આવા એકતરફી નિર્ણયો લેવાથી બચવું જોઈએ'.
નવેમ્બર 2022માં બન્યા હતા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ
ડૉ. સી.વી. આનંદ બોઝને 17 નવેમ્બર 2022ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેમના પહેલા મણિપુરના તત્કાલીન રાજ્યપાલ લા ગણેશન વધારાના હવાલા તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું કામકાજ સંભાળતા હતા.
જ્યારે તત્કાલીન રાજ્યપાલ જગદીપ ધનખડ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, ત્યારે બોઝને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.
કોણ છે સી.વી. આનંદ બોઝ?
સી.વી. આનંદ બોઝ 1977 બેચના IAS ઓફિસર છે અને તેઓ કેરળના કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી છે.
તેઓ એક લેખક પણ છે, જેમણે અંગ્રેજી, મલયાલમ અને હિન્દીમાં આશરે 40 પુસ્તકો પ્રકાશિત કર્યા છે.
તેમને જવાહરલાલ નેહરુ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે.
બોઝ તે કાર્યકારી જૂથના અધ્યક્ષ હતા જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે વિકાસ એજન્ડા તૈયાર કર્યો હતો.
મોદી સરકારે "તમામ માટે સસ્તું આવાસ" (Affordable housing for all) નો તેમનો કોન્સેપ્ટ સ્વીકાર્યો હતો.
