કોલકત્તાઃ પશ્વિમ બંગાળ સરકારે કોરોનાના કેસ વધતા મોટું પગલું ભર્યું છે. રાજ્યના ગૃહ સચિવ બીપી ગોપાલિકા દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે ત્રણ જાન્યુઆરીથી બંગાળમાં બ્રિટનથી આવતા વિમાનો પર રોક લગાવી દેવામાં આવી છે. પશ્વિમ બંગાળમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે જેને લઇને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યના સ્વાસ્થ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમને પત્ર લખીને ચિંતા જાહેર કરતા સંક્રમણને રોકવા કડક પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા.


નોંધનીય છે કે મુખ્યમંત્રીએ કહ્યુ કે ઓમિક્રોનના મોટાભાગના કેસ એ લોકોમાં જોવા મળ્યા છે જે યુકેથી ફ્લાઇટના માધ્યમથી અહી પહોંચી રહ્યા છે. એ સત્ય છે કે ઇન્ટરનેશનલ વિમાનોથી આવનારા જ સંક્રમણ લાવી રહ્યા છે. સરકારે એ દેશોમાંથી આવતા વિમાનો પર પ્રતિબંધ લગાવી દેવો જોઇએ જ્યાં આ પ્રકારના વેરિઅન્ટના કેસ વધુ છે.


 બીપી ગોપાલિકાએ નિવેદનમાં કહ્યું કે બ્રિટન જોખમ ધરાવતા દેશોમાં સામેલ છે. જે પણ મુસાફર વિદેશથી આવશે તેમણે પોતાના ખર્ચ પર એરપોર્ટ પર ટેસ્ટ કરાવવો પડશે. એરલાઇન્સે 10 ટકા મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ કરશે જ્યારે બાકીના મુસાફરોનો આરએટી ટેસ્ટ કરવામાં આવશે.






 ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ કેસ નોંધાયા હતા. એકંદરે, કોરોના પોઝીટીવીટી દર 0.92 ટકા છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમના 6 જિલ્લા, અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લામાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી દર 5-10 ટકાની વચ્ચે છે.