Teacher Recruitment Scam: પશ્ચિમ બંગાળમાં શિક્ષણ કૌભાંડની તપાસ હવે મંત્રીઓ સુધી પહોંચી ગઇ છે. EDની ટીમ શુક્રવારથી મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારમાં ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીના ઘરે તપાસ કરી રહી હતી. હવે પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, સવારે પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટર્જીએ તબિયત ખરાબ હોવાનું જણાવ્યું છે. આ પછી બે ડોક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘર પર પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેના ઘરમાંથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.






શિક્ષક ભરતી મામલામાં દરોડા અને પૂછપરછ બાદ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. EDએ તેમના નજીકના મિત્રો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે.


મળતી માહિતી મુજબ, ધરપકડ બાદ પાર્થ ચેટર્જીને મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા છે. પાર્થને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવશે. પાર્થ ચેટર્જીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘર પર પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેના ઘરમાંથી 20 કરોડ રૂપિયાની રોકડા મળી આવ્યા હતા. કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન ભરતી કૌભાંડના આરોપી પાર્થના ઘરે એક ટીમ મોડી રાત્રે પહોંચી હતી. EDને અર્પિતા વિરુદ્ધ કેટલાક મજબૂત પુરાવા મળ્યા હતા. ત્યારબાદ તેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે, અર્પિતા સિવાય EDએ અન્ય ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.


શું છે શિક્ષક ભરતી કૌભાંડ?


પશ્ચિમ બંગાળ સરકારના મંત્રીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી આ સમગ્ર કાર્યવાહી શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. આ ભરતી પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ થઈ હતી. જેમાં ખોટી રીતે ભરતી કરવા માટે OMR શીટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં નાપાસ થયેલા ઉમેદવારો લાખો રૂપિયાની લાંચ લઈને પાસ થયા હતા. આ મામલામાં શિક્ષણ મંત્રીની સીધી સંડોવણી હોવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ઘણા લોકો સામેલ હતા, જેમની ધરપકડ ટૂંક સમયમાં થઈ શકે છે.