નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમના મેદાનમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો વચ્ચે બીજી વનડે રમાશે. આજની મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાથમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે, આ પટ્ટી બાંધવા પાછળનુ કારણ મહાન ખેલાડી બાસિલ બૂચરને શ્રદ્ધાંજલિ આપવાનુ છે.

સોમવારે મહાન કેરેબિયન બેટ્સમેન બાસિલ બૂચરનુ નિધન થયુ છે, બાસિલ બૂચર 86 વર્ષની વયે ફ્લૉરિડામાં મૃત્યુ પામ્યા છે, જેને શ્રદ્ધાંજલિ આપવા માટે કેરેબિયન ટીમ આજની મેચમાં કાળી પટ્ટી બાંધીને રમશે.


ટીમ મેનેજર ફિલિપ સ્પૂનરે કહ્યું કે, સર ગૈરી સોબર્સ, રોહન કન્હાઇ અને ક્લાઇવ લૉઇડ જેવા મહાન ખેલાડીઓની સાથે રમનારા એક મહાન ક્રિકેટર બાસિલ બૂચરનું સોમવારે નિધન થઇ ચૂક્યુ છે. તેમના સન્માનમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ બીજી વનડેમાં બાંય પર કાળી પટ્ટી બાંધીને રમશે.

આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે જાણકારી શેર કરી હતી કે, વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના મહાન ક્રિકેટર બેસિલ બુચરનું 86 વર્ષની વયે નિધન થયુ છે. આ માહિતી ટ્વીટર હેન્ડલ પરથી શેર કરાઇ છે જેમાં બેસિલ બુચરનો ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


કોણ હતા બેસિલ બુચર....
બેસિલ બુચર જમણેરી બેટ્સમેન હતા, અને તેમને વેસ્ટ ઇન્ડિઝ માટે 44 ટેસ્ટ મેચ રમી હતી. બેસિલે પોતાની ટેસ્ટ કેરિયરમાં 43.11ની એવરેજથી 3104 રન બનાવ્યા હતા.
આ ધાકડ બેટ્સમેને 7 ટેસ્ટ સદી ફટકારી હતી, વળી પોતાની ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં બેસિલ બુચર 31 સદી ફટકારી છે.