CM Mann Deplaned From Lufthansa Aircraft: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 11 થી 18 સપ્ટેમ્બર સુધી જર્મનીના પ્રવાસ પર હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે નશાના કારણે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં Lufthansa ના પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. ભગવંત માન દિલ્હી જવા રવાના થઇ રહ્યા હતા. માન પર આરોપ છે કે તેઓ નશામાં હોવાના કારણે ફ્લાઇટના ઉડાનમાં વિલંબ થયો હતો. આ મામલે હવે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
પંજાબના મુખ્યમંત્રીને Lufthansa પ્લેનમાં ઉતારવામાં આવ્યા હોવાના આરોપોની તપાસની માંગણી પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નિવેદન આપ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય ધરતી હતી. અમારે ખાતરી કરવી પડશે કે આપણે તથ્યોની પુષ્ટી કરવી જોઇએ. Lufthansa એ ડેટા આપવો જોઈએ. હું મને મોકલેલી વિનંતી પર ચોક્કસપણે તપાસ કરીશ.
શું છે સમગ્ર ઘટના?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આરોપ છે કે જર્મન એરલાઈન્સ Lufthansa ની ફ્લાઈટ તેમના નશાના કારણે મોડી પડી હતી. શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પણ મીડિયા રિપોર્ટ્સને ટાંકીને માન પર આ આરોપ લગાવ્યો હતો.
સુખબીર બાદલે તો માન પર વિશ્વભરના પંજાબીઓને શરમમાં મુકવાનો આરોપ લગાવ્યો હતો. સુખબીર બાદલે ટ્વીટમાં લખ્યું હતું કે મીડિયા અહેવાલો જણાવે છે કે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને Lufthansa ની ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ ખૂબ નશામાં હતા અને ચાલી શકે તેમ નહોતા. તેમના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તે આપના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપી શક્યા નહોતા.
AAPએ શું કહ્યું?
વિપક્ષના આરોપો પર મુખ્ય પ્રધાન ભગવંત માનના કાર્યાલયનું કહેવું છે કે તેઓ અસ્વસ્થ હોવાના કારણે દિલ્હી પાછા ફરવામાં વિલંબ થયો હતો. આમ આદમી પાર્ટી (AAP) એ "દુષ્પ્રચાર ફેલાવવા" માટે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો. AAPના પ્રવક્તા મલવિન્દર સિંહે તેને વિપક્ષી પાર્ટીઓનો પ્રોપગેન્ડા ગણાવ્યો અને સુખબીર બાદલ અને કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ કરી હતી.