નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ફરી લોકડાઉન લાદવા વિચારી રહી હોવાની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉન નહીં લદાય તેવા સ્પષ્ટ સંકેત આપ્યા. ઉલટાનું મોદીએ વધારે છૂટછાટો આપવાનો સંકેત આપતાં આ બેઠકમાં  મોદીએ કહ્યું કે, આપણે કોરોનાને જેટલો અટકાવીશું તેટલું જ આપણું અર્થતંત્ર ખૂલશે.


વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે ઈ-બેઠકના ભાગરૂપે બુધવારે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, અને કર્ણાટક સહિત કોરોનાના કેસો વધારે છે એવા દેશનાં 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. આ રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા ઘણી વધુ છે.

મોદીએ દેશમાં હવે લોકડાઉન નહીં વધે અને હજુ છૂટછાટો વધારવામાં આવશે તેવા સંકેત આપતાં  ચેતવણી પણ આપી હતી કે, અત્યારે થોડીક પણ બેદરકારી બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે.

વડાપ્રધાન મોદીએ છેલ્લા ત્રણ મહિનામાં મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠી વાર વાતચીત કરી છે. મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં હજારો લોકો વિદેશમાંથી ભારત પરત ફર્યા છે જ્યારે લાખો પરપ્રાંતીય પ્રવાસીઓ તેમના વતન પહોંચ્યા છે. તેના કારણે દેશના અર્થતંત્રમાં પણ તેજી આવી રહી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા કેટલાક સપ્તાહના પ્રયાસોનું પરિણામ જોવા મળી રહ્યું છે અને અર્થતંત્રની ગાડી પાટા પર ચડી રહી હોવાના સંકેત મળ્યા છે.