મુંબઈ: મહારાષ્ટ્રમાં બીજેપીએ પોતાની સરકાર બનાવી લીધી છે. શુક્રવાર રાત સુધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વાતચીત ચાલતી હતી. મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

ત્યારે સતત બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાને ખીચડી સરકાર મંજૂર નથી. અમને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો હતો પરંતુ શિવસેનાએ બીજી રાજકીય પાર્ટીઓ સાથે ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો. જેનું પરિણામ એવું આવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું.

વધુમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની સરકારને સ્થિર સરકાર જોઈએ છે ખીચડી સરકાર નહીં. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. અજીત પવાર અમારી સાથે આવી તેના માટે આભાર. અમે સાથે મળીને મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપીશું.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, "@Dev_Fadnavis અને @AjitPawarSpeaksને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું ખૂબ આશાવાદી છું કે બંને સાથે મળીને મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે.

શપથ લીધા બાદ અજીત પવારે કહ્યું હતું કે, તમે જોયું હશે કે મહારાષ્ટ્રમાં 24 તારીખે ચૂંટણીના પરિણામ આવી ગયા હતા જોકે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યું નહતું. મહારાષ્ટ્રની જનતા અને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે આ નિર્ણય લીધો અને સરકાર બનાવી.