દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ટાઈ થઈ પછી સુપર ઓવર પણ ટાઈ થતાં બીજી સુપર ઓવરમાં પંજાબે 4 બોલમાં 12 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો. પંજાબે જોરદાર પ્રદર્શન કરીને નંબર વન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું પણ પંજાબનો સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઈલ ભારે ગુસ્સે થઈ ગયો હતો.


ગેલ પોતાની સાથે સુપર ઓવરમાં ઓપનિંગમાં આવનારા મયંક અગ્રવાલ પર પણ ભડક્યો હતો. ગેલના કહેવા પ્રમાણે, મયંક અને પોતે બેટિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અગ્રવાલે ગેલને પૂછ્યું કે, પહેલા બોલનો સામનો કોણ કરશે ? આ સવાલ સાંભળીને ગેલ બગડ્યો હતો. ગેલના દાવા પ્રમાણે તેણે મયંકને તતડાવીને કહ્યું કે, તું શું સાચે જ મને આવો સવાલ કરી શકે છે ? પહેલો બોલ બીજું કોઈ નહીં પણ યુનિવર્સ બોસ જ રમશે.

અગ્રવાલે ગેલને એણ પણ પૂછ્યું હતું કે, તમે નર્વસ છો ? આ સવાલના કારણે પણ ગેલ ભડક્યો હતો. ગેલે કહ્યું કે, હું ક્યારેય પણ નર્વસ ન હતો પણ હું એ કારણે ગુસ્સામાં હતો કે આપણી ટીમ 20 ઓવરમાં મેચ જીતી શકે તેમ હતી છતાં જીતની બાજીને ટાઈમાં પલટી નાંખી તેથી આ સ્થિતિનો સામનો કરવો પડ્યો. ગેલે કહ્યું કે, આ ક્રિકેટનો ખેલ છે અને આવું થતું રહે છે.

પહેલાં બેટિંગ કરતાં મુંબઈએ 6 વિકેટે 176 રન બનાવ્યા અને જવાબમાં પંજાબની ટીમે પણ 6 વિકેટ પર 176 રન બનાવચાં મેચ ટાઈ થઈ હતી. વિજેતાનો નિર્ણય સુપર ઓવર મારફતે નક્કી થવાનો હતો, પણ સુપર ઓવર પણ ટાઈ થતાં બીજી સુપર ઓવર રમવાનો વારો આવ્યો હતો જેમાં પંજાબ જીતી ગયું.