અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકાર 14 એપ્રિલ પછી લોકડાઉન ઉઠાવી લેશે કે નહીં તેના પર સૌની નજર છે. દેશનાં કેટલાંક રાજ્યોએ લોકડાઉન વધારવા માટે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે. આ રાજ્યોમાં ગુજરાત નથી તેથી ગુજરાતમાં પણ લોકડાઉન વધશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે.


ગુજરાત સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિજય રૂપાણી સરકાર સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લંબાવવા નથી માગતી પણ સાથે સાથે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન જેવી જ સ્થિતી પણ રાખવા માગે છે. આ પૈકીના મોટા ભાગના શહેરી વિસ્તારો છે. જે વિસ્તારોમાં કોરોનાવાયરસના ચેપના કેસો છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે તે વિસ્તારોને સંપૂર્ણ લોકડાઉન કરી દેવાશે. બાકીના વિસ્તારોમાં લોકડાઉન ખોલવામાં આવશે પણ કેટલીક શરતો રાખવામાં આવશે. આ પૈકી મુખ્ય શરત એ રહેશે કે, દિવસ દરમિયાન જ રાહતો મળશે અને આ રહાતો પણ કેટલાક કલાકો માટે જ રહેશે.

ગુજરાત સરકાર હાલમાં કોરોનાના કેસોના ટ્રેન્ડ પર નજર રાખીને બેઠી છે. તેને અનુલક્ષીને કેટલાક વિસ્તારોને કોરોના ક્વોરેન્ટાઈ જાહેર કરાયા છે. હવે પછી જ્યાં પણ કોરોનાના કેસોમાં 12 એપ્રિલ સુધીમાં  દિવસમાં વધારો કે ઘટાડો થાય તેના આધારે અન્ય કેટલાક વિસ્તારોને પણ કોરોના ક્વોરેન્ટાઈન જાહેર કરાશે. આ વિસ્તારોમાં પણ લોકડાઉનનો અમલ ચાલુ રહેશે.