Notice To Whatsapp : વર્તમાનમાં મોબાઈલ ફોનમાં જુદી જુદી રીતે કરવામાં આવતી છેતરપિંડી માથાનો દુ:ખાવો બની ગઈ છે. દિવસેને દિવસે આ બાબતેની ફરિયાદો વધતી જાય છે. તેવી જ રીતે ઈન્ટરનેશલ સ્પેમ કોલ પણ એક મોટી સમસ્યા બનતી જાય છે. હવે કેન્દ્ર સરકારે આ મામલે લાલ આંખ કરી છે. કેન્દ્ર આ મામલે સોશિયલ મીડિયા સાઈટ વોટ્સઅપને નોટિસ પાઠવે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકાર WhatsAppને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં ઘણા યુઝર્સ ફરિયાદ કરી રહ્યાં છે કે, તેઓ તેમના મોબાઇલ ફોન પર WhatsApp દ્વારા આંતરરાષ્ટ્રીય નંબરોમં સ્પામ કૉલ્સનો ભોગ બની રહ્યાં છે, જેના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) WhatsAppને નોટિસ મોકલવા જઈ રહ્યું છે.
આ માહિતી આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી છે કે તે યુઝર્સની સુરક્ષા અને વિશ્વાસ ટકાવી રાખે. આ તેમની જવાબદારી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, જો આવું કંઈ થાય છે, તો મંત્રાલય તેની નોંધ લે છે અને જવાબ આપવો તેમની ફરજ છે. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ વોટ્સએપને નોટિસ આપવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે.
એક યુઝરે ટ્વિટર પર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે, WhatsApp બેકગ્રાઉન્ડમાં માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે. 10 મેના રોજ રાજીવ ચંદ્રશેખરે આ યુઝરના ટ્વીટ પર ટ્વીટ કર્યું હતું કે, આ ગોપનીયતાનું ઉલ્લંઘન છે જેને ક્યારેય ચલાવી લેવાય નહીં. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, અમે આ બાબતે અધ્યયન કરીશું અને ગોપનીયતાનું ઉલ્લંઘન થશે તો, કાર્યવાહી કરીશું. માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોજેક્શન બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અન્ય ઘણા યુઝર્સે પણ સોશિયલ મીડિયા પર આવી જ ફરિયાદ કરી હતી કે, તેમને વોટ્સએપ પર આવા સ્પામ કોલ આવી રહ્યા છે. યુઝર્સનું કહવું છે કે, આ સ્પામ કૉલ્સ ઇન્ડોનેશિયા (+62), વિયેતનામ (+84), મલેશિયા (+60), કેન્યા (+254) અને ઇથોપિયા (+251)થી આવી રહ્યા છે.
ઈલોન મસ્કે કહ્યું - WhatsApp પર વિશ્વાસ કરી શકાય તેમ નથી, ટ્વિટર ટૂંક સમયમાં જ વોટ્સએપ જેવું ફીચર રજૂ કરશે
ઈલોન મસ્કનું કહેવું છે કે ટ્વિટર એન્જિનિયરના દાવા બાદ Whatsapp પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. કારણ કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ જ્યારે તે સૂતો હતો ત્યારે બેકગ્રાઉન્ડમાં તેનો માઇક્રોફોન વાપરી રહ્યો હતો. ટ્વિટર કર્મચારીએ તેના દાવાના સમર્થનમાં એન્ડ્રોઇડ ડેશબોર્ડનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે. ટ્વીટના જવાબમાં મસ્કે લખ્યું કે આ પ્લેટફોર્મ પર વિશ્વાસ કરી શકાય નહીં. બીજી તરફ, ટ્વિટર બોસ વોઈસ અને વીડિયો કોલ સાથે ટ્વિટર પર વોટ્સએપ જેવા ફીચર્સ લાવી રહ્યા છે.