આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રપ્રયાગ સ્થિત ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ ખાસ અવસરે હિમાલયની ગોદમાં વસેલા ભગવાન કેદારનાથના દ્વાર ખોલવાની તારીખ અને ઉખીમઠથી કૈલાશ જવાની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીની જાહેરાત પણ કરવામાં આવશે.


8 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને શણગારાયુંઃ


મહાશિવરાત્રી પર્વ નિમિત્તે, શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરમાં રાવલ ભીમાશંકર લિંગ, મંદિર સમિતિના અધિકારીઓ, વિદ્વાન આચાર્યોની હાજરીમાં પંચાંગની ગણતરી પ્રમાણે કેદારનાથના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવશે. જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભગવાન કેદારનાથના શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ જ સમયે, શિવરાત્રી પહેલાં કેદારનાથ મંદિરને બરફે શણગાર્યુ છેં. કેદારનાથ ધામમાં પાંચ ફૂટ સુધી બરફ જામ્યો છે. કેદારનાથ ધામમાં ચારે તરફ માત્ર બરફ જ બરફ છવાયેલો છે.


કોવિડ ગાઈડલાઈનનું પાલનઃ
આ ઉજવણી દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તો પૂજા, જલાભિષેક, કીર્તન ભજન કરશે. આ પ્રસંગે દિલ્હીના ભક્તો દ્વારા વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજારી બાગેશ લિંગે જણાવ્યું કે, મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથના કપાટ ખોલવા અને પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીના ઉખીમઠથી કૈલાશ જવા ક્યારે રવાના થશે તેની તારીખ જણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભગવાન કેદારનાથના દ્વાર ખુલ્યા બાદ યાત્રા અટકી પડી હતી. આથી આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યુ હોવાથી સ્થાનિક તીર્થધામના પૂજારીઓ અને વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના તહેવારને લઈને કેદારનાથ, મદમહેશ્વર, વિશ્વનાથ મંદિર, ગુપ્તકાશી અને ઓમકારેશ્વર મંદિરમાં મુખ્ય પૂજારીઓ ઉપસ્થિત રહેશે.