વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું હતું કે, અયોધ્યામાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રામમંદિર બની રહ્યું છે. તેમ છતાં ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ સાજિદ રશીદીએ મંદિર તોડવાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દેશદ્રોહ છે. આવા લોકોની વિરૂદ્ધ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતગર્ત કાર્યવાહી કરવી જોઈએ. વિહિપ નેતાએ કહ્યું હતું કે, આવા વિવાદાસ્પદ નિવેદનોને સંગઠન સહન નહીં કરે.
અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ સાજિદ રશીદીએ નારાજગી વ્યક્ત કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામ કહે છે કે એક મસ્જિદ હંમેશા એક મસ્જિદ જ છે. મંદિર તોડીને મસ્જિદ નહોતી બની પરંતુ હવે મસ્જિદ બનાવવા માટે મંદિરને ધ્વસ્ત કરવામાં આવી શકે છે.
વિશ્વ હિન્દુ પરિષદે મૌલાના આ નિવેદનને ધ્યાનમાં લઈને ગુસ્સો ઠાલવ્યો હતો. રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું હતું કે, પોલીસે આ મામલે કડક પગલાં લેવા જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભૂમિ પૂજન કરીને ચાંદીની ઈંટ અને ચાંદીના પાવડાથી ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો.
અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો શિલાન્યાસ કરવાની સાથે જ વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજેએ કહ્યું હતું કે, આ નિર્માણ કાર્ય આગામી ત્રણ વર્ષની અંદર પૂર્ણ થવાની આશા છે.