ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કયા-કયા રાજ્યો રેડ એલર્ટ જાહેર કર્યા? જાણો વિગત
abpasmita.in | 09 Jul 2019 08:47 AM (IST)
કોલ્હાપુરમાં 24 કલાકમાં સૌથી વધુ 17 સેમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈ: સોમવારે મુંબઈમાં ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જોત જોતામાં અડધા મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે કારોમાં પણ પાણી ઘૂસી ગયા હતાં. આ ઉપરાતં ભારે વરસાદથી રેલવે, બસ અને વિમાન સેવાઓ પર ખોરવાઈ ગઈ હતી. મુંબઈમાં 46 ટકા વરસાદ પડી ચૂક્યો છે. કોલ્હાપુરમાં 24 કલાકમાં સૌથી વધુ 17 સેમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અનેક વિસ્તારોમાં 200 મીમી સુધી વરસાદ પડશે તેવું અનુમાન હવામાન વિભાગને છે. અરબ સાગરમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે 4 મીટર ઊંચા મોજા ઉછળશે તેવી પણ શક્યતા છે. આને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. બીએમસીએ એડવાઈઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. બિહાર, યુપી, મધ્યપ્રદેશ, ગુજરાતમાં પણ સોમવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પટણાની મેડિકલ કોલેજમાં પાણી ભરાઈ ગયું હતું. મોનસૂન મંગળવારે દિલ્હી અને હરિયાણા પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કર્ણાટક, તમિલનાડુમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.