ભારતની નીના ગુપ્તાનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યું છે. બધા તેને અભિનંદન આપી રહ્યા છે. આખરે એવું તો શું છે, જેના માટે નીના ગુપ્તાને અભિનંદન મળી રહ્યા છે. હકીકતમાં, તાજેતરમાં પ્રોફેસર નીના ગુપ્તાને ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે યુવા ગણિતશાસ્ત્રી માટેના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર રામાનુજમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નીના ગુપ્તા આ એવોર્ડથી સન્માનિત થનારી ચોથી ભારતીય છે. બાય ધ વે, નીના ગુપ્તા આ એવોર્ડ જીતનારી ત્રીજી મહિલા બની છે.


પ્રોફેસર નીના ગુપ્તાને બીજગણિત જિયોમેટ્રો અને કમ્યુટેટીવ બીજગણિતમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નીનાએ આ પુરસ્કાર મેળવ્યા પછી, ભારતીય આંકડાકીય સંસ્થા (ISI)નું માન વધ્યું છે કારણ કે અત્યાર સુધી રામાનુજમ પુરસ્કાર મેળવનાર ચાર ભારતીયોમાંથી ત્રણ ISIના ફેકલ્ટી સભ્યો છે. પ્રોફેસર નીના ગુપ્તાની આ સફળતાને કારણે સમગ્ર દેશનું સન્માન વધી ગયું છે. સોશિયલ મીડિયા પર પણ લોકો અભિનંદન આપી રહ્યા છે.


કોણ છે પ્રોફેસર નીના ગુપ્તા


પ્રોફેસર નીના ગુપ્તા પશ્ચિમ બંગાળના કોલકાતાના રહેવાસી છે. અહીં તેમનો જન્મ થયો હતો. ખાલસા હાઈસ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા પછી, નીના ગુપ્તાએ બેથુન કોલેજમાં તેની BSc ગણિત (H) ડિગ્રી મેળવી. આ પછી નીનાએ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગણિતમાં માસ્ટર્સ અને પીએચડી કર્યું.


નીનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ, ‘કોલકાતામાં જન્મેલી અને ઉછરેલી એક મારવાડી છોકરી તરીકે મેં ગણિતમાં કારકિર્દી બનાવવા માટે ઘણાં સાંસ્કૃતિક નિયમો તોડ્યા છે.’


નીનાએ કયું કે, કલ્ચરલ ઈશ્યુ હોવા ઉપરાંત આઈએસઆઈમાં મારી બેચમાં હું એક જ છોકરી હોવાથી શરૂઆતમાં અભ્યાસમાં પહોંચી વળવામાં મુશ્કેલી થઈ હતી, પણ પછી મને સમજાયું કે આ વિષય કેટલો સુંદર અને વિશાળ છે.’ તો ગણિતના ક્ષેત્રમાં છોકરીઓની ઓછી સંખ્યા બાબતે નીનાનું કહેવું છે કે, આ મુદ્દો વૈશ્વિક સ્તરે જોવા મળે છે, જ્યાં ગણિતને પુરુષોનો વિષય કહેવામાં આવે છે અને મહિલાઓની અવારનવાર મજાક કરવામાં આવે છે. જોકે, હવે પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી રહી છે.’