Samrat Choudhary Bihar CM: નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારના રાજકારણમાં નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મંગળવારે મળેલી NDA ની વિધાનસભા બેઠકમાં સમ્રાટ ચૌધરીને ઔપચારિક રીતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ એ અટકળોનો અંત આવી ગયો છે કે બિહારનો નવો તાજ કોણ પહેરશે; હવે એ સ્પષ્ટ છે કે સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે. તેમની આ પસંદગી વખતે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે પટનામાં ખાસ હાજર રહ્યા હતા. સમ્રાટ ચૌધરીની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD થી શરૂઆત કરનાર સમ્રાટ, આજે ભાજપના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.

કોણ છે સમ્રાટ ચૌધરી અને કેવો રહ્યો છે તેમનો રાજકીય ગ્રાફ?

મુંગેર જિલ્લાના વતની 57 વર્ષીય સમ્રાટ ચૌધરી કોઈ નવો ચહેરો નથી, તેમનો રાજકીય વારસો ઘણો જૂનો છે. તેમના પિતા શકુની ચૌધરી 'સમતા પાર્ટી'ના સ્થાપકોમાંના એક હતા અને એક સમયે લાલુ પ્રસાદ યાદવની અત્યંત નજીક મનાતા હતા. શકુની ચૌધરી પોતે પણ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે.

RJD થી થઈ શરૂઆત: સમ્રાટે 1990 માં સક્રિય રાજકારણમાં પગ મૂક્યો હતો. 1995 માં એક રાજકીય કેસમાં તેમને જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ તેમની રાજકીય કુનેહ એટલી જબરદસ્ત હતી કે માત્ર 4 વર્ષ બાદ, 1999 માં રાબડી દેવીની સરકારમાં તેઓ સીધા કૃષિ મંત્રી બની ગયા હતા. 2005 માં જ્યારે બિહારમાંથી RJD ની સરકાર ગઈ, ત્યારે પણ તેઓ લાંબા સમય સુધી લાલુની પાર્ટી સાથે વફાદારીપૂર્વક જોડાયેલા રહ્યા હતા.

ધારાસભ્ય તરીકેની સફર: વર્ષ 2000 અને 2010 માં તેઓ પરબટ્ટા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપમાં આવ્યા બાદ, ગયા વર્ષે (2025 માં) તેમણે તારાપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી.

લાલુનો સાથ છોડી JDU અને ત્યાંથી ભાજપમાં એન્ટ્રી

સમ્રાટ ચૌધરીની કારકિર્દીનો મોટો વળાંક 2014 માં આવ્યો, જ્યારે તેમણે RJD છોડી દીધી અને નીતિશ કુમારની પાર્ટી JDU માં જોડાઈ ગયા. જીતન રામ માંઝી જ્યારે મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની સરકારમાં સમ્રાટ શહેરી વિકાસ અને ગૃહ વિભાગ જેવા મહત્વના મંત્રી પદો પર રહ્યા. જોકે, JDU માં પણ તેઓ લાંબો સમય ટક્યા નહીં અને આખરે 2018 માં તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો.

ભાજપમાં આવ્યા પછી તેમનું કદ સતત વધતું જ ગયું. NDA સરકારમાં તેઓ પંચાયતી રાજ મંત્રી રહ્યા. આ ઉપરાંત, તેમણે બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે અને બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સફળ જવાબદારીઓ નિભાવી છે. નીતિશ કુમારની અગાઉની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) હતા અને ગૃહ વિભાગ સંભાળતા હતા. હવે આવતીકાલે (બુધવારે) લોકભવન ખાતે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પોતાની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ઈનિંગની શરૂઆત કરશે.