પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે બપોરે 3.30 વાગ્યે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) સ્થાપવાના આ પગલાને WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે "ગેમ-ચેન્જર" ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પરંપરાગત દવાઓ હજારો વર્ષોથી ચાલી રહી છે અને WHOના 194 સભ્ય દેશોમાંથી 170 માં લગભગ 80 ટકા લોકો પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે.


આ કેન્દ્ર પરિવર્તન લાવશેઃ
ડૉ. પૂનમે ANI સાથે  વાતચીતમાં જણાવ્યું હતું કે, પરંપરાગત દવાઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે છતાં, તેના ડેટા, ડિલિવરી સિસ્ટમ અને દવાઓના એકીકરણ કરવામાં પ્રમાણભૂત માળખાનો અભાવ છે. આ કેન્દ્રની શરુઆત થતાં જ પરંપરાગત દવાઓના શિક્ષણ, ડેટા, વિશ્લેષણ, ટકાઉપણું અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આ કેન્દ્રની મદદથી જ પરંપરાગત દવાઓની જાણકારી દુનિયાને એક જ પદ્ધતિથી મળી શકશે.


GCTM પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્રઃ
ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે કહ્યું કે, GCTMએ વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. બુધવારે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં હશે, જ્યાં પીએમ મોદી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. આ ઈનોવેશન સમિટની મળતી માહિતી પ્રમાણે મહાત્મા મંદિર ખાતે આયોજિત આ ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકો ભાગ લેશે.


WHO ના મહાનિર્દેશક ભારતની ત્રણ દિવસીય મુલાકાતે:
તમને જણાવી દઈએ કે WHO ના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. આવતીકાલે મંગળવારના રોજ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસ સમારોહમાં PM મોદી સાથે જોડાતા પહેલા ઘેબ્રેયસસ રાત્રિરોકાણ કરશે.