નવી દિલ્હી: પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહનો હાથ પકડ્યા બાદ હવે જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ગુજરાતમાં કૉંગ્રેસ માટે કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કૉંગ્રેસને જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
એબીપી ન્યૂઝને સૂત્રો પાસેથી મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસની રણનીતિ સંભાળવાની જવાબદારી નિભાવ્યા બાદ પ્રશાંત કિશોર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસ માટે કામ કરી શકે છે. સૂત્રોની જાણકારી મુજબ પ્રશાંત કિશોર આ મામલે ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના કેંદ્રીય નેતૃત્વના સંપર્કમાં છે અને વાતચીત અંતિમ તબક્કામાં છે.
સૂત્રો મુજબ, જો આમ થશે તો અને કૉંગ્રેસ પ્રશાંત કિશોરના મેનેજમેન્ટામાં 2022 ગુજરાત વિધાનસભામાં સારૂ પ્રદર્શન કરે છે, તો તેની સીધી 2024 લોકસભા ચૂંટણી પર પડી શકે છે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી) અને તમિલનાડુમાં ડીએમકેનું કામકાજ સંભાળી રહી છે. આ પહેલા પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી માટે કામ કરી ચૂક્યા છે.