Bundelkhand Expressway: ઉત્તરપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં બનેલો એક્સપ્રેસ-વે હાલ ચર્ચામાં છે કારણ કે, આ એક્સપ્રેસ-વેનો કેટલોક ભાગ લોકાર્પણ થયાના 5 જ દિવસમાં ધોવાઈ ગયો છે. મહત્વનું છે કે, અરબો રુપિયાના ખર્ચે બુંદેલખંડ એક્સપ્રેસ-વે બનાવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન 16 જુલાઈના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જાલૌન જિલ્લાના કૈથેરી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
છિરિયા સલેમપુર નજીક આ રોડ ધોવાયોઃ
ગઈકાલે બુધવારે રાત્રે આવેલા ભારે વરસાદના કારણે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો (Bundelkhand Expressway) કેટલોક ભાગ ધોવાયો હતો અને જમીનમાં ધસી ગયો હતો. એક્સપ્રે-વેના કિલોમીટર ક્રમાંક 195 પાસે આવેલા છિરિયા સલેમપુર નજીક આ રોડ ધોવાયો છે. આ રોડમાં ખાડા પડી જતાં બે કાર અને એક બાઈકનો અકસ્માત પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ બુંદેલખંડ એક્સપ્રેસ-વે ચિત્રકૂટના ભરતકૂપથી શરુ થાય છે અને ઈટાવાના કુદરેલ સુધી જાય છે. ત્યારે આ એક્સપ્રેસ-વે શરુ થયાના 5 જ દિવસમાં તેની ગુણવત્તાનો પુરાવો સામે આવી ગયો છે.
સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કર્યો વીડિયોઃ
બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો રોડ વરસાદમાં ધોવાઈ જતાં ઉત્તરપ્રદેશના વિપક્ષ સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કર્યું હતું. સમાજવાદી પાર્ટીએ લખ્યું કે, વરસાદે અધુરા બુંદેલખંડ એક્સપ્રેસ-વેની પોલ ખોલી દીધી છે. અધૂરા બુંદેલખંડ એક્સપ્રેસ-વેને બુંદેલખંડીઓ માટે ભેટ ગણાવનાર ભાજપ સરકાર જનતાને ગુમરાહ કરી રહી છે. આ સાથે એક્સપ્રેસ-વેની મરામત કરી રહેલા બુલડોઝરનો વીડિયો પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, રોડ ધોવાયા બાદ તેનું રીપેરિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.