Women's Reservation Bill: આજે સંસદ પોતાની જૂની ઇમારતમાંથી નવી ઇમારતમાં શિફ્ટ થઇ ગઇ, આ સ્થળાંતર સાથે શરૂ થયેલી લોકસભાની કાર્યવાહી દરમિયાન મહિલા અનામત બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન આ બિલને નારી શક્તિ વંદન અધિનિયમ બિલ નામ આપ્યું હતું. ગૃહમાં બિલ રજૂ થાય તે પહેલા જ પીએમ મોદીએ તેમની ચર્ચા શરૂ કરી દીધી હતી. આ અંગે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ બિલ પહેલા પણ અનેકવાર સંસદમાં લાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલે નવી સંસદની લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું છે. પીએમ મોદીએ આ બિલને નારી શક્તિ એક્ટ નામ આપ્યું છે. દરમિયાન લોકસભામાં કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ હંગામો મચાવી રહ્યા છે.
નારી શક્તિ વંદન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે. વિપક્ષનું કહેવું છે કે બિલને સરક્યૂલેટ કર્યા વિના કેવી રીતે રજૂ કરવામાં આવ્યું. જેના પર કાયદા મંત્રીએ કહ્યું કે બિલ વેબસાઈટ પર અપલૉડ કરવામાં આવ્યું છે. જ્યારે ગૃહમાં બિલ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેની નકલ પહેલા સાંસદોને આપવી જરૂરી છે. વિપક્ષ આ વાત પર સવાલ ઉઠાવી રહ્યો છે.
મહિલા આરક્ષણને લઈને પીએમ મોદીએ સંસદમાં કહ્યું, 'મહિલા અનામતને લઈને અગાઉ પણ સંસદમાં પ્રયાસો થયા છે. આજે અમારી સરકાર બંધારણ સંશોધન બિલ રજૂ કરવા જઈ રહી છે. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત મળશે. જ્યારે આ બિલ કાયદો બનશે ત્યારે તેની તાકાત વધુ વધશે. હું બંને ગૃહોના સાંસદોને અપીલ કરું છું કે તેને દરેકની સહમતિથી પસાર કરવામાં આવે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. નીતિ ઘડતરમાં મહિલાઓની ભૂમિકા હોવી જોઈએ. તેમજ પીએમ મોદીએ નારી શક્તિ વંદન એક્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા. મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન એક્ટ તરીકે ઓળખવામાં આવશે.